પોષક તત્વોથી ભરપૂર કોળાના બીજનું તેલ વાળ ખરતા અટકાવવા અને ગ્રોથ વધારવામાં મદદરૂપ છે. જાણો તેને ઘરે બનાવવાની સરળ રીત અને ફાયદા.

આજના સમયમાં યુવાનો પોતાના વાળની સંભાળને લઈને ખૂબ જ સભાન બન્યા છે. વાળને મજબૂત કરવા, મૂળને પોષણ આપવા અને વાળનો ગ્રોથ વધારવા માટે કોળાના બીજનું તેલ ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. આ બીજમાં વિટામિન ઈ, ઝિંક, મેગ્નેશિયમ, એન્ટીઓક્સિડન્ટ્સ અને જરૂરી ફેટી એસિડ્સ ભરપૂર માત્રામાં હોય છે. આ તેલ સ્કૅલ્પને પ્રદૂષણ, UV કિરણો અને ઈન્ફ્લેમેશનથી બચાવે છે તેમજ ખંજવાળ અને ખોડાની સમસ્યા દૂર કરે છે.
ઘરે સરળતાથી બનાવો કોળાના બીજનું તેલ
કોળાના બીજનું તેલ ઘરે બનાવવા માટે અડધો કપ કાચા કોળાના બીજ, એક કપ નાળિયેર અથવા બદામનું તેલ અને એક ચમચી એરંડિયાનું તેલ લો. સૌપ્રથમ બીજને હળવી આંચ પર ૨ થી ૩ મિનિટ શેકીને દરદરા વાટી લો. ત્યારબાદ ડબલ બોઈલરની મદદથી કેરિયર ઓઈલને હળવું ગરમ કરી તેમાં વટેલા બીજ ઉમેરી ૩૦ થી ૪૦ મિનિટ ધીમા તાપે પકાવો. મિશ્રણ ઠંડુ થાય એટલે કપડાથી ગાળીને કાળા કાચની બોટલમાં ભરી લો. આ તેલ ૨ થી ૩ મહિના સુધી સુરક્ષિત રહે છે.
તેલના ઉપયોગની યોગ્ય રીત અને ટિપ્સ
વાળના મૂળમાં બ્લડ સર્ક્યુલેશન સુધારવા માટે અઠવાડિયામાં એકવાર ૫ થી ૧૦ મિનિટ સ્કૅલ્પ પર આ તેલથી માલિશ કરવી જોઈએ. તેમાંથી હેર માસ્ક બનાવીને રાતભર રાખી સવારે હૂંફાળા પાણીથી ધોઈ શકાય છે. વધુ સારા પરિણામ માટે તેમાં ૨-૩ ટીંપા રોઝમેરી એસેન્શિયલ ઓઈલના પણ ઉમેરી શકાય છે. ઉલ્લેખનીય છે કે આ તેલ વાળ ખરતા અટકાવવામાં મદદરૂપ છે, પરંતુ તેને ટાલપણું દૂર કરવાનો તબીબી ઉપાય ગણી શકાય નહીં.










