EPS હેઠળ લઘુત્તમ પેન્શન રૂ. 1,000 થી વધારીને રૂ. 7,500 કરવાની માગ પર સરકારે સંસદમાં સ્પષ્ટતા કરી છે કે હાલ આવો કોઈ નિર્ણય લેવાયો નથી.

નોકરીયાત વર્ગ અને પેન્શનરો દ્વારા લાંબા સમયથી મિનિમમ પેન્શનની રકમ વધારવાની માગ કરવામાં આવી રહી છે. સંસદના ચોમાસુ સત્ર દરમિયાન આ મુદ્દો લોકસભામાં ઉઠાવવામાં આવ્યો હતો. આ અંગે શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી શોભા કરંદલાજેએ સરકાર તરફથી સ્પષ્ટ જવાબ આપતાં જણાવ્યું હતું કે અનેક સ્ટેકહોલ્ડર્સ તરફથી પેન્શન વધારવા માટેની રજૂઆતો મળી છે, પરંતુ વહીવટી તંત્ર દ્વારા આ મામલે હાલમાં કોઈ આખરી નિર્ણય લેવામાં આવ્યો નથી.
પેન્શન ફંડની સ્થિરતા અને ભવિષ્યની જવાબદારીઓ મહત્વની
કેન્દ્રીય મંત્રીએ સંસદમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે સરકાર EPS-95 હેઠળના પેન્શનભોગીઓને દર મહિને રૂ. 1,000નું લઘુત્તમ પેન્શન સુનિશ્ચિત કરવા માટે બજેટરી સહાય પૂરી પાડી રહી છે. સરકારી તંત્ર EPFO સભ્યો માટે સામાજિક સુરક્ષા કવચને વધુ મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે. જોકે, કોઈ પણ નવો નિર્ણય લેતી વખતે પેન્શન ફંડની લાંબા ગાળાની સ્થિરતા (Sustainability) અને ભવિષ્યની નાણાકીય જવાબદારીઓને ધ્યાનમાં રાખવી અનિવાર્ય છે.
રૂ. 7,500 મિનિમમ પેન્શન માટે ટ્રેડ યુનિયનોની રજૂઆત
ઉલ્લેખનીય છે કે વિવિધ ટ્રેડ યુનિયનો અને જનપ્રતિનિધિઓ દ્વારા સરકાર સમક્ષ વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે લઘુત્તમ PF પેન્શન રૂ. 1,000 થી વધારીને રૂ. 7,500 કરવામાં આવે. પેન્શનરોના સંગઠનોનું કહેવું છે કે મોંઘવારીના વર્તમાન સમયમાં માત્ર રૂ. 1,000ની માસિક રકમથી ઘરચલાવવું કે ગુજારાન ચલાવવું અત્યંત મુશ્કેલ બની જાય છે, જેથી આ રકમમાં તાત્કાલિક વધારો કરવો જરૂરી છે.










