ચોમાસામાં રોગચાળો રોકવા ગાંધીનગર જિલ્લા આરોગ્ય તંત્ર એલર્ટ, અનેક ગામોમાં સઘન કામગીરી

નાંદોલી, ખાત્રજ, પાલૈયા અને લવારપુર સહિતના વિસ્તારોમાં મચ્છરનાશક દવાનો છંટકાવ, લાર્વા નિયંત્રણ અને ક્લોરિનેશનની કામગીરી હાથ ધરાઈ : લોકોને ડ્રાય ડે ઉજવવા, ઉકાળેલું અથવા ક્લોરીનયુક્ત પાણી પીવા અને તાવ-ઉલટી-ઝાડા જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ

ગાંધીનગર, મંગળવાર : ચોમાસાની ઋતુ દરમિયાન વાહકજન્ય અને જલજન્ય રોગચાળાને નિયંત્રણમાં રાખવા ગાંધીનગર જિલ્લા આરોગ્ય તંત્ર સંપૂર્ણપણે એલર્ટ બન્યું છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ ગામોમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે સઘન સર્વેલન્સ અને નિવારક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

કલોલ તાલુકાના નાંદોલી ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાચરડાની ટીમે સ્થળ મુલાકાત લઈ મચ્છરના ઉપદ્રવ સામે સઘન સર્વેલન્સ કર્યું હતું. ગ્રામજનોને પીવાના પાણીના શુદ્ધિકરણ માટે ક્લોરીનની ગોળીઓ તેમજ ડિહાઇડ્રેશનથી બચવા ORSના પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. વરસાદી પાણી ભરાયેલા સ્થળોએ મચ્છરોના પ્રજનનને રોકવા માટે ઓઈલ બોમ્બ મૂકવાની કામગીરી પણ કરવામાં આવી હતી. આગામી દિવસોમાં ગ્રામ પંચાયતના સહયોગથી સમગ્ર ગામમાં મચ્છરનાશક દવાનો છંટકાવ પણ કરવામાં આવશે. રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ પાલૈયા વિસ્તારમાં આરોગ્ય અને વેલનેસ સેન્ટર-નાંદોલની ટીમે મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોને અટકાવવા માટે વિશેષ સર્વેલન્સ અને જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું.

તે ઉપરાંત, PHC દશેલા અંતર્ગત ડોલરાણા વાસણા આરોગ્ય કેન્દ્રની ટીમોએ ઘરે-ઘરે જઈ તાવના દર્દીઓનું સર્વેલન્સ કર્યું હતું. સાથે જ પાણી ભરાતા સ્થળોએ એન્ટી-લાર્વલ કામગીરી, ઓઈલ બોમ્બ મુકવાની કામગીરી અને પીવાના પાણીનું ક્લોરિનેશન પણ કરવામાં આવ્યું હતું.

મચ્છરના ઉપદ્રવને નિયંત્રિત કરવા કલોલ તાલુકાના ખાત્રજ ગામ તેમજ ગાંધીનગર તાલુકાના લવારપુર સહિત વિવિધ વિસ્તારોમાં આરોગ્ય વિભાગ અને સ્થાનિક તંત્રના સંયુક્ત પ્રયાસોથી મચ્છરનાશક દવાનો વ્યાપક છંટકાવ કરવામાં આવ્યો હતો. જિલ્લા આરોગ્ય તંત્રએ નાગરિકોને ઘરની આસપાસ વરસાદી પાણી ભરાઈ ન રહે તેની ખાસ કાળજી રાખવા, દર અઠવાડિયે ‘ડ્રાય ડે’ ઉજવવા, હંમેશા ઉકાળેલું અથવા ક્લોરીનયુક્ત પાણી પીવા તેમજ તાવ, ઉલટી કે ઝાડા જેવા લક્ષણો જણાય તો વિલંબ કર્યા વગર નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવાની અપીલ કરી છે.

MITUFAB SOLANKI
Author: MITUFAB SOLANKI

Leave a Comment

Read More

error: Content is protected !!