વડાપ્રધાન મોદીના નામે જૂના સિક્કા વેચી લાખો રૂપિયા મેળવવાની વાયરલ થયેલી સ્કીમનો વીડિયો PIBએ સંપુર્ણપણે ફેક અને ખોટો ગણાવ્યો છે.

સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક પ્રકારના દાવા અને યોજનાઓ વાયરલ થતી હોય છે, પરંતુ તેમાંથી દરેક વાત સાચી હોતી નથી. હાલમાં જ પીએમ નરેન્દ્ર મોદીનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એવો દાવો કરાઈ રહ્યો છે કે સરકાર દ્વારા જૂના સિક્કાઓનું એક પ્રદર્શન યોજાઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં જૂના સિક્કા સીધા સરકારને વેચીને 5થી 10 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકાય છે.
PIB ફેક્ટ ચેકે વાયરલ દાવો ફગાવ્યો
આ વાયરલ દાવાની સત્યતા સામે લાવતા ભારત સરકારની અધિકૃત એજન્સી PIB ફેક્ટ ચેકે પોતાના X (ટ્વિટર) હેન્ડલ પરથી સ્પષ્ટતા કરી છે. પીઆઈબીએ આ વીડિયોને સંપુર્ણ ફેક અને એડિટેડ ગણાવ્યો છે. PIB મુજબ પીએમ મોદીનો આ ડિજિટલી મેનિપ્યુલેટેડ વીડિયો લોકોને ગેરમાર્ગે દોરવાના હેતુથી વાયરલ કરવામાં આવ્યો છે.
⚠️ Fake Video Alert!
🚨 A digitally manipulated video of Prime Minister Narendra Modi is circulating online wherein he is shown endorsing a government-authorised buyer for participation in an exhibition of old coins. #PIBFactCheck:
❌ This video is #Fake.
✅ The Prime… pic.twitter.com/YTCeAxAi9n
— PIB Fact Check (@PIBFactCheck) August 4, 2026
સરકારે કોઈ યોજના કે ખરીદદારને સમર્થન આપ્યું નથી
પીઆઈબીએ વધુમાં ખુલાસો કર્યો છે કે વડાપ્રધાન કે ભારત સરકારે જૂના સિક્કા ખરીદવા માટે કોઈ પ્રદર્શન કે કોઈ માન્ય ખરીદદારને સમર્થન આપ્યું નથી. નાગરિકોને આવા બોગસ કન્ટેન્ટ અને ગેરમાર્ગે દોરતા વીડિયો પર ભરોસો ન કરવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે જ ભારત સરકારને લગતી કોઈપણ શંકાસ્પદ માહિતી મળે તો PIBFactCheck પર રિપોર્ટ કરવા પણ જણાવાયું છે.
માતા વૈષ્ણોદેવી વાળા સિક્કા અંગે ગેરસમજ
આ પ્રકારની ઓનલાઈન આકર્ષક યોજનાઓની જાળમાં અનેક નાગરિકો ફસાઈ જતા હોય છે. વાયરલ વીડિયોમાં દર્શાવ્યા મુજબ 5 અને 10 રૂપિયાના માતા વૈષ્ણોદેવીની તસવીરવાળા સિક્કા એકઠા કરવા માટે પણ લોકોમાં ઘેલો જોવા મળ્યો હતો. જોકે, PIBની આ સ્પષ્ટતા બાદ ફેક વીડિયો પાછળનું સત્ય સામે આવી ગયું છે.











