હવે પાસપોર્ટ વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન જવું નહીં પડે, બીજી તરફ 1 જુલાઈથી નવો પાસપોર્ટ બનાવવો અને રિપ્લેસમેન્ટ મોંઘું થયું છે.

ગુજરાતના પાસપોર્ટ અરજદારો માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા વેરિફિકેશન પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવા આદેશો જારી કરાયા છે. આ નવા નિર્ણય બાદ હવે અરજદારોને ચકાસણી કામગીરી માટે પોલીસ મથકના બિનજરૂરી ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે.
માત્ર નાગરિકતા અને ક્રિમિનલ રેકોર્ડની જ તપાસ
નવી માર્ગદર્શિકા મુજબ પોલીસ અધિકારીઓએ માત્ર અરજદારની ભારતીય નાગરિકતા અને તેમના ગુનાહિત ઇતિહાસ અંગે જ ચકાસણી કરવાની રહેશે. રહેઠાણના સરનામાની અલગથી ચકાસણી કરવાની કોઈ જરૂર રહેશે નહીં. તે ઉપરાંત અરજદારને રૂબરૂ બોલાવીને સહી લેવાની કે પોલીસ સ્ટેશન હાજર રાખવાની પ્રક્રિયા પણ બંધ કરવામાં આવી છે.
અપવાદરૂપ કિસ્સામાં જ ઘરની મુલાકાત
જો કોઈ અરજીમાં પોલીસને ભારે શંકા જણાય અથવા વધુ વિગતોની ખરાઈ કરવી જરૂરી બને, તો જ ખાસ કિસ્સામાં પોલીસ અરજદારના ઘરે જઈને તપાસ કરી શકશે. પરંતુ આવી સ્થિતિમાં પણ અરજદારને થાણે બોલાવી શકાશે નહીં. તમામ અધિકારીઓને આ આદેશોનું ચુસ્તપાલન કરવા સૂચના આપી દેવાઈ છે.
1 જુલાઈથી પાસપોર્ટ સેવાઓ મોંઘી થઈ
કેન્દ્ર સરકારે 26 જૂન, 2026ના રોજ પાસપોર્ટ ફી સુધારાની જાહેરાત કરી હતી, જે 1 જુલાઈ, 2026થી લાગુ થઈ ગઈ છે. હવે સામાન્ય 36 પાનાના નવા અથવા રિ-ઈશ્યૂ પાસપોર્ટ માટે રૂપિયા 1,500ને બદલે રૂપિયા 2,500 ચૂકવવા પડશે.
ખોવાયેલા અને ડેમેજ પાસપોર્ટ પર ચાર્જ વધ્યો
નવા દરો મુજબ જો 36 પાનાનો પાસપોર્ટ ખોવાઈ કે ક્ષતિગ્રસ્ત થઈ જાય, તો નવો મેળવવા સામાન્ય કેટેગરીમાં રૂપિયા 5,000 અને તત્કાલ સેવામાં રૂપિયા 7,500 ફી આપવી પડશે. જ્યારે 60 પાનાના પાસપોર્ટ માટે સામાન્યમાં રૂપિયા 6,000 અને તત્કાલમાં રૂપિયા 8,500નો ચાર્જ નક્કી થયો છે.
સગીરો માટે પાસપોર્ટ રિપ્લેસમેન્ટ ફી
બાળકોના ખોવાયેલા કે ડેમેજ થયેલા 36 પાનાના પાસપોર્ટને બદલવા માટે સામાન્ય પ્રક્રિયામાં રૂપિયા 4,250 અને તત્કાલ પ્રક્રિયામાં રૂપિયા 6,750 ફી લાગશે. તે ઉપરાંત PCC અને સરન્ડર સર્ટિફિકેટના દરોમાં પણ ફેરફાર કરાયા છે.
માન્યતાના નિયમો યથાવત
ફીમાં ફેરફાર છતાં પાસપોર્ટની વેલિડિટી પહેલા જેવી જ રહેશે. પુખ્ત વયના નાગરિકો માટે પાસપોર્ટ 10 વર્ષ માટે માન્ય રહેશે. જ્યારે સગીરો માટે પાસપોર્ટની માન્યતા 5 વર્ષ અથવા તેઓ 18 વર્ષના થાય ત્યાં સુધી (જે પણ વહેલું હોય) અમલી રહેશે.











