ગૂગલ મેપ પર નકલી સંપર્ક નંબર અપલોડ કરી શ્રદ્ધાળુઓ સાથે ઠગાઈ કરતી ગેંગ સામે સાયબર સેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રાજ્યમાં ધાર્મિક અને પર્યટન સ્થળોએ આવતા પ્રવાસીઓને ટાર્ગેટ કરતી એક શાતિર ઠગ ટોળકી સામે લાલ આંખ કરવામાં આવી છે. ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના પોલીસ ઇન્સ્પેક્ટર મુકેશગીરી ગોસ્વામીએ રાજ્ય સરકાર વતી અજાણ્યા ગુનેગારો સામે ફરિયાદ નોંધાવી છે. પીડિતો પાસેથી નાની રકમો પડાવી લેવાતી હોવાથી અગાઉ અલગ-અલગ જગ્યાએ કેસ નોંધાયા ન હતા, પરંતુ ઓનલાઇન અરજીઓનો ઉપડો વધતાં પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈને કાયદેસરની કાર્યવાહી કરી છે.
ઠગાઈની નવી મોડસ ઓપરેન્ડી
ગૂગલ લોકલ ગાઇડ નરેશ દરજીના જણાવ્યા મુજબ, આ સ્કેમર્સ ગૂગલ મેપના લિસ્ટિંગનો દુરુપયોગ કરે છે. તેઓ પ્રખ્યાત હોટેલ્સ કે ધર્મશાળાઓના લોકેશનની ફોટો ગેલેરીમાં એડિટેડ ફોટોઝ અપલોડ કરે છે. આ તસવીરો પર મોટા અક્ષરે (દા.ત. કેસરી રંગથી) પોતાના અંગત મોબાઈલ નંબર લખેલા હોય છે. પ્રવાસીઓ જ્યારે આ સંપર્ક નંબર પર કૉલ કરે છે, ત્યારે તેમને એડવાન્સ બુકિંગ કે કન્ફર્મેશનના નામે જાળમાં ફસાવીને તેમની બેંકિંગ વિગતો મેળવી ખાતામાંથી નાણાં સેરવી લેવામાં આવે છે.
યાત્રાધામોની નકલી વેબસાઇટ્સ અને નંબર્સ
પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે ઑક્ટોબર 2025થી જુલાઈ 2026 વચ્ચે આ કાવતરું રચવામાં આવ્યું હતું. આરોપીઓએ સોમનાથના મહેશ્વરી અતિથિ ભવન, ઇસ્કોન વૃંદાવન, ગીતા ભવન ઋષિકેશ અને પરમાર્થ નિકેતન જેવી નામાંકિત ધર્મશાળાઓ તેમજ આશ્રમોના નામે નકલી વેબપેજ બનાવ્યા હતા. આરોપીઓ 7976519240, 8168655106, 9587882316, 9376737875 અને 9232505054 જેવા નંબરનો ઉપયોગ કરીને પોતાની સાચી ઓળખ છુપાવતા હતા અને દેશભરના શ્રદ્ધાળુઓને શિકાર બનાવતા હતા.











