અમદાવાદમાં CNGના ભાવવધારા અને ભાડા વધારાની માગ સાથે રિક્ષાચાલકોની હડતાલથી મુસાફરો અને વિદ્યાર્થીઓ ભારે હાલાકીમાં મુકાયા.

સીએનજી (CNG) ઈંધણના સતત વધતા ભાવના વિરોધમાં પ્રગતિ રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા અમદાવાદ શહેરમાં બે દિવસીય વિરોધ પ્રદર્શનની જાહેરાત કરવામાં આવી છે. જોકે, શહેરના અન્ય મુખ્ય યુનિયનોએ આ આંદોલનને સમર્થન ન આપતાં તેની અસર મિશ્ર જોવા મળી હતી. એસ.જી. હાઈવે અને ઈસ્કોન સર્કલ જેવા વ્યસ્ત વિસ્તારોમાં ઓટો રિક્ષાઓ સામાન્ય દિવસોની જેમ જ દોડતી નજરે પડી હતી.
અધવચ્ચે મુસાફરોને ઉતારાયા
બીજી તરફ, વસ્ત્રાપુર ફાટક સહિતના કેટલાક પોઈન્ટ્સ પર હડતાલ સમર્થક રિક્ષાચાલકોએ વાહનો પાર્ક કરીને વિરોધ દર્શાવ્યો હતો. આ દરમિયાન વિરોધ કરી રહેલા ચાલકોએ પેસેન્જર ભરેલી રિક્ષાઓને અટકાવીને મુસાફરોને બળજબરીપૂર્વક નીચે ઉતારી દીધા હતા. આ બાબતે ચાલકો વચ્ચે રકઝક અને ખેંચતાણના દ્રશ્યો પણ સર્જાયા હતા, જેના કારણે વાતાવરણ થોડું ગરમ બન્યું હતું.
CNGના ભાવ અને ભાડાનો વિવાદ
રિક્ષાચાલકોના જણાવ્યા મુજબ, તાજેતરમાં ઓગસ્ટના રોજ અદાણી કંપની દ્વારા સીએનજીમાં કિલોએ ₹4નો વધારો કરાતાં ભાવ રૂપિયા 94 સુધી પહોંચી ગયા છે. અગાઉ ટ્રાન્સપોર્ટ કમિશનર સાથેની બેઠકમાં ભાડા વધારા અંગે સમંતિ બની હોવા છતાં સરકારે હજુ સુધી નોટિફિકેશન બહાર પાડ્યું નથી. દરરોજ રૂપિયા 250નો ગેસ પુરાવ્યા પછી માંડ રૂપિયા 100ની બચત થતી હોવાથી રોજીરોટી ચલાવવી મુશ્કેલ બની ગઈ છે.
મુસાફરો અને વિદ્યાર્થીઓની હાલાકી
હડતાલ અને અધવચ્ચે રિક્ષા ખાલી કરાવવાની પ્રવૃત્તિને કારણે નોકરીયાતો, વૃદ્ધો અને કૉલેજના વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અનેક લોકોને 5થી 10 કિલોમીટર સુધી ચાલીને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવા મજબૂર બનવું પડ્યું હતું. પીજીમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ભવિષ્યમાં ભાડું વધે તો આર્થિક બોજ વધવાની ચિંતા ઉપસી છે.
આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચેતવણી
રિક્ષાચાલકોએ સ્પષ્ટ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે જો સરકાર સીએનજીના ભાવ ઘટાડવા અથવા ભાડા વધારાનું નોટિફિકેશન તાત્કાલિક જાહેર નહીં કરે, તો આગામી દિવસોમાં આ વિરોધ વધુ આક્રમક સ્વરૂપ ધારણ કરશે. બીજી તરફ કેટલાક મુસાફરોએ પણ રિક્ષાચાલકોની વ્યાજબી માગણીઓને સમર્થન આપતાં સરકારને આ મુદ્દે ઉકેલ લાવવા અપીલ કરી છે.











