UGC દ્વારા ગુજરાત યુનિવર્સિટીને કેટેગરી-2 ઓટોનોમી મળતા જ શૈક્ષણિક અને વહીવટી ક્ષેત્રે નિર્ણય લેવાની મોટી સ્વાયત્તતા પ્રાપ્ત થઈ છે.

રાજ્યની સૌથી જૂની અને અગ્રણી ગુજરાત યુનિવર્સિટીએ ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં મોટી સફળતા મેળવી છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા UGC રેગ્યુલેશન્સ 2018 હેઠળ 29 જુલાઈ 2026ના રોજ તેને કેટેગરી-II યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ સાથે જ UGC તરફથી વિશેષ ગ્રેડેડ ઓટોનોમી અને તેનાથી મળતા વહીવટી લાભો પ્રાપ્ત કરનારી ગુજરાત યુનિવર્સિટી સમગ્ર રાજ્યની પ્રથમ અને એકમાત્ર સ્ટેટ યુનિવર્સિટી બની ગઈ છે.
શૈક્ષણિક અને વહીવટી સ્વાયત્તતાના લાભો
આ સ્વાયત્તતા મળવાથી હવે યુનિવર્સિટીને UGCની પૂર્વ પરવાનગી લીધા વગર જ નવા શૈક્ષણિક અભ્યાસક્રમો, નવા વિભાગો, સ્કૂલ્સ અને રિસર્ચ સેન્ટર્સ શરૂ કરવાની છૂટ મળશે. આ ઉપરાંત, ઉદ્યોગોની જરૂરિયાત મુજબના રોજગારલક્ષી NSQF ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સ શરૂ કરી શકાશે. એટલું જ નહીં, ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ (ODL) એટલે કે દૂરસ્થ શિક્ષણ દ્વારા પોતાના શૈક્ષણિક કાર્યક્રમોનો વિસ્તાર કરવાનો માર્ગ પણ ખુલ્લો થઈ ગયો છે.
વિદેશી ફેકલ્ટી અને આંતરરાષ્ટ્રીય પ્રવેશો
નવા નિર્ણયથી યુનિવર્સિટીના વૈશ્વિકીકરણને વેગ મળશે. હવે મંજૂર થયેલા મહેકમ ઉપરાંત 20% સુધી લાયકાત ધરાવતા વિદેશી પ્રોફેસરોની કરાર આધારિત નિમણૂક કરી શકાશે. આ સાથે જ સ્થાનિક બેઠકો ઉપરાંત 20% વધારાની બેઠકો પર મેરિટના ધોરણે વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાશે, જેનાથી કેમ્પસમાં આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક વાતાવરણ ઊભું થશે.
‘વિકસિત ગુજરાત’ના સંકલ્પને બળ મળશે
ગુજરાત યુનિવર્સિટીની આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ યુનિવર્સિટી પરિવાર અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 (NEP-2020)ના અમલીકરણથી આ પરિણામ મળ્યું છે. આ સ્વાયત્તતા ‘વિકસિત ભારત @2047’ના લક્ષ્યને પૂર્ણ કરવામાં, સંશોધન વધારવામાં અને યુવાનો માટે રોજગારીની નવી તકો સર્જવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.











