તમિલનાડુના CM વિજયના નહીં થાય છૂટાછેડા: પત્ની સંગીતાએ અરજી પાછી ખેંચી

તમિલનાડુના સીએમ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચેના છૂટાછેડા ટળ્યા છે, સંગીતાએ ચેંગલપટ્ટુ કોર્ટમાંથી પોતાની અરજી પાછી ખેંચી લીધી છે.

તમિલનાડુના મુખ્યમંત્રી અને જાણીતા અભિનેતા સી. જોસેફ વિજય તથા તેમની પત્ની સંગીતા વચ્ચે વિવાહિત જીવનમાં ચાલી રહેલા તણાવ અને છૂટાછેડાના સમાચાર પર હવે વિરામ મૂકાયો છે. લાંબા સમયથી ચર્ચામાં રહેલો તેમનો 27 વર્ષ જૂનો સંબંધ તૂટવાના આરે પહોંચી ગયો હતો. સંગીતાએ પોતાના પતિ વિજય પર અન્ય મહિલા સાથે સંબંધ હોવાના આરોપો મૂકીને અદાલતમાં છૂટાછેડાની અરજી કરી હતી, જેને હવે તેમણે પરત ખેંચી લેતાં ચાહકોએ રાહતનો શ્વાસ લીધો છે.

કોર્ટે અરજી પાછી ખેંચાતાં કેસ બંધ કર્યો
સમાચાર સંસ્થા એએનઆઈ (ANI) દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર, સંગીતાએ પોતાના પતિ મુખ્યમંત્રી વિજય વિરુદ્ધ વિવાહવિચ્છેદ માટે દાખલ કરેલી યાચિકા સત્તાવાર રીતે પરત લઈ લીધી છે. ચેંગલપટ્ટુ અદાલતે આ અરજી પાછી ખેંચાવાની બાબતને ધ્યાને લઈને છૂટાછેડાના આ કેસને સત્તાવાર રીતે બંધ કરી દીધો છે. આ સાથે જ બંને વચ્ચે રહેલા મતભેદો ઉકેલાઈ ગયા હોવાનું સામે આવ્યું છે.

સંગીતા દ્વારા મૂકવામાં આવેલા ગંભીર આરોપો
ઉલ્લેખનીય છે કે, સંગીતાએ પોતાની અરજીમાં પતિ વિજય પર બેવફાઈના આરોપ લગાવ્યા હતા. આ યાચિકામાં દાવો કરાયો હતો કે એપ્રિલ 2021માં સંગીતાને વિજયના એક અભિનેત્રી સાથેના સબંધો અંગે જાણ થઈ હતી. તેમણે એવો પણ આરોપ મૂક્યો હતો કે વિજય તે અભિનેત્રી સાથે જાહેર સ્થળોએ મળવાનું ચાલુ રાખતા હતા, જેના કારણે તેમને સંતાનો સમક્ષ શરમીંદગી અનુભવવી પડી હતી. વર્ષ 1999માં લગ્નગ્રંથિથી જોડાયેલા આ દંપતીને જેસન સંજય નામનો પુત્ર અને દિવ્યા સાશા નામની પુત્રી છે.

તૃષા કૃષ્ણન સાથે લિંકઅપની હતી ચર્ચા
અભિનેતા અને મુખ્યમંત્રી વિજયનું નામ છેલ્લા કેટલાક સમયથી જાણીતી નટી તૃષા કૃષ્ણન સાથે જોડાઈ રહ્યું હતું. રાજકારણમાં પ્રવેશ્યા બાદ અને તમિલનાડુ ચૂંટણી 2026 દરમિયાન પણ તૃષા તેમની સાથે જોવા મળી હતી. ચૂંટણી જીત્યા બાદ અને શપથ ગ્રહણ સમારોહમાં પણ તે વિજયના પરિવાર સાથે હાજર રહી હતી, જેના કારણે આ ચર્ચાઓએ વધુ જોર પકડ્યું હતું. જોકે, બંનેમાંથી કોઈએ પણ આ સંબંધનો ક્યારેય સ્વીકાર કર્યો નથી અને તેને માત્ર ગાઢ મિત્રતા ગણાવી છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!