ગુજરાત હાઈકોર્ટમાં ફાયર સેફ્ટી અંગે મહત્વની સુનાવણી: નિયમો વધુ કડક બનાવવા સરકારની ખાતરી

ગુજરાત હાઈકોર્ટમાં ફાયર સેફ્ટી કાયદા અંગે સુનાવણી યોજાઈ; સરકારે CGDCR નિયમોમાં સુધારા અને કાયમી ફાયર ડિરેક્ટરની નિમણૂકનું આશ્વાસન આપ્યું.

રાજકોટના TRP ગેમ ઝોન અને શ્રેય હોસ્પિટલની દુર્ઘટનાઓ બાદ રાજ્યમાં અગ્નિશામક સુવિધાઓ અને કાયદાના અમલીકરણ અંગે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગરવાલ તથા ન્યાયમૂર્તિ ડી.એન. રેની પીઠ સમક્ષ મહત્વપૂર્ણ સુનાવણી થઈ હતી. આ વેળાએ અરજદાર અમિત પંચાલે વર્તમાન ફાયર કાયદામાં રહેલી ક્ષતિઓ તરફ અદાલતનું ધ્યાન દોર્યું હતું. તેના જવાબમાં એડવોકેટ જનરલે રાજ્યમાં અગ્નિ સુરક્ષાના માપદંડો વધુ સુદ્રઢ કરવા માટે સરકાર દ્વારા લેવાનારા આગામી કડક પગલાંઓની રૂપરેખા રજૂ કરીને ખાતરી આપી હતી.

ફટાકડાની દુકાનો અને પ્લે-સ્કૂલના નિયમોમાં ફેરફારની રજૂઆત
અદાલતી કાર્યવાહી દરમિયાન રજૂઆત કરવામાં આવી હતી કે, હાલના માપદંડ અનુસાર ૫૦૦ ચોરસ મીટરથી નાની ફટાકડાની દુકાનો માટે ફાયર NOC લેવું નિર્ધારિત નથી. આ સાથે ચાર વર્ષથી નાના ભૂલકાંઓ માટે ચાલતી બાલવાડીઓ કે પ્લે-ગ્રુપમાં પણ ફાયર ઇન્સ્પેક્શનની કોઈ જોગવાઈ નથી, જે સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત ગંભીર બાબત છે. આ નિયમોમાં તાત્કાલિક સુધારો કરવાની જરૂરિયાત વ્યક્ત કરાતાં એડવોકેટ જનરલે આ અંગે યોગ્ય નીતિ વિષયક નિર્ણયો લેવાનું આશ્વાસન આપ્યું હતું.

ઊંચી ઇમારતો માટે નવા CGDCR નિયમો અને મોકડ્રીલનું સૂચન
અમદાવાદમાં આગામી સમયમાં યોજાનારી ‘કોમનવેલ્થ ૨૦૩૦’ જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓને ધ્યાનમાં રાખીને સરકાર ટૂંક સમયમાં નવા કોમ્પ્રિહેન્સિવ જનરલ ડેવલોપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ (CGDCR) અમલમાં મુકશે. આ નવી નીતિ હેઠળ ગગનચુંબી ઇમારતોમાં દર ત્રણ માળ બાદ એક માળ ખાલી (રેસ્ક્યુ ફ્લોર) રાખવો ફરજિયાત બનશે, જેથી કોઈ દુર્ઘટના સમયે લોકોને ત્યાં એકત્ર કરી સરળતાથી બચાવી શકાય. ઉપરાંત, હાઈકોર્ટે ચાલુ કામકાજના દિવસોમાં જાહેર સ્થળોએ નિયમિત ફાયર મોકડ્રીલ યોજવા નિર્દેશ આપ્યો હતો.

ફાયર તંત્રનું માળખું અને કાયમી ડિરેક્ટરની નિમણૂક
હાઈકોર્ટે રાજ્યના અગ્નિશામક વિભાગની કામગીરી અને કર્મચારીઓના મહેકમ અંગે આકરા સવાલો કર્યા હતા. કાયમી ડિરેક્ટરની ગેરહાજરી મુદ્દે કોર્ટે ટિપ્પણી કરી હતી કે, અગ્નિશામક સેવાઓને સક્ષમ બનાવવાની સાથે સામાન્ય નાગરિકોને તાલીમ આપવી અત્યંત જરૂરી છે. જેના ઉત્તરમાં સરકારે ટૂંક સમયમાં જ સ્ટેટ ફાયર સર્વિસિસમાં કાયમી ડિરેક્ટરની નિમણૂક કરવાની સ્પષ્ટતા કરી હતી.

વહીવટી તંત્રનું ત્રિસ્તરીય માળખું અને સમીક્ષા
રાજ્ય સરકારે અદાલતમાં ફાયર વિભાગના ત્રિસ્તરીય સંચાલન માળખાની વિગતો આપી હતી. મહાનગરપાલિકા ક્ષેત્રે મ્યુનિસિપલ કમિશનર જવાબદાર રહે છે; નગરપાલિકાઓમાં કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી તથા અર્બન ડેવલપમેન્ટના પ્રિન્સિપાલ સેક્રેટરી દેખરેખ રાખે છે; જ્યારે પંચાયત અને ગ્રામ્ય સ્તરે ડાયરેક્ટર ઓફ ફાયર સર્વિસ સંભાળ રાખે છે. સુરક્ષાની સતત સમીક્ષા માટે પ્રિન્સિપાલ સેક્રેટરી દર ૧૫ દિવસે વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજે છે. આ મામલે આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!