PhonePe પર શરૂ થઈ નવી સુવિધા: હવે દરરોજ રૂપિયા 100 થી કરી શકશો રોકાણ

PhonePe એપ પર રોજના રૂપિયા 100 થી FD અને ડેઇલી RD માં રોકાણ કરવાની સરળ સુવિધા શરૂ કરવામાં આવી છે.

જો તમે તમારી નાની-નાની બચતને સુરક્ષિત રીતે વધારવા માંગો છો અને નાના મૂડીરોકાણથી શરૂઆત કરવાનું વિચારી રહ્યા છો, તો હવે આ પ્રક્રિયા ખૂબ સરળ બની ગઈ છે. બેંકની મુલાકાત લીધા વગર ઘરબેઠા જ મોબાઈલ દ્વારા રોકાણ કરવા માટે ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ PhonePe એ પોતાના એપ પર ફિક્સ્ડ ડિપોઝિટ (FD) અને ડેઇલી રિકરિંગ ડિપોઝિટ (Daily RD) ની સેવાઓ શરૂ કરી છે. આ સુવિધાની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં માત્ર રૂપિયા 100 ના દૈનિક રોકાણથી શરૂઆત કરી શકાય છે.

ડેઇલી RD ની ખાસિયતો અને રોકાણની રકમ
PhonePe પર ઉપલબ્ધ ડેઇલી RD માં રોજના રૂપિયા 100 થી લઈને રૂપિયા1,000 સુધીની રકમ જમા કરાવી શકાય છે. આ સેવા શિવાલિક સ્મોલ ફાઇનાન્સ બેંકના સહયોગથી શરૂ કરવામાં આવી છે, જે નાની બચતની ટેવ પાડવા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. તેમાં UPI AutoPay ના માધ્યમથી દરરોજ નક્કી કરેલી રકમ આપોઆપ કપાઈ જાય છે, જેથી યુઝરે દરરોજ મેન્યુઅલી પેમેન્ટ કરવાની જરૂર રહેતી નથી.

PhonePe પર FD બુક કરવાની રીત
આ એપ પર ગ્રાહકો વિવિધ બેંકો અને NBFC દ્વારા આપવામાં આવતી FD યોજનાઓની સરખામણી કરી શકે છે. વ્યાજદર, રોકાણનો સમયગાળો અને અન્ય સવલતો ધ્યાને લઈને પોતાની પસંદગીની FD પસંદ કરી શકાય છે. આ સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન અને કાગળરહિત (પેપરલેસ) છે, જેમાં આધાર અને પાન કાર્ડ દ્વારા ડિજિટલ વેરિફિકેશન પૂર્ણ કર્યા બાદ UPI અથવા નેટ બેંકિંગથી ચૂકવણી કરી શકાય છે.

ડેઇલી RD ફ્લેક્સિબિલિટી અને ગ્રેસ પિરિયડ
આ યોજનામાં ગ્રાહક કોઈપણ સમયે UPI AutoPay સુવિધા બંધ કરી શકે છે અને જરૂર પડે તો માત્ર 7 દિવસ પછી પણ પોતાના નાણાં પરત ખેંચી શકે છે. જો રોકાણનો કોઈ હપ્તો ચુકાઈ જાય, તો તેના પર 15 દિવસનો ગ્રેસ પિરિયડ આપવામાં આવે છે અને છૂટી ગયેલા હપ્તા પર કોઈ પેનલ્ટી કે દંડ વસૂલવામાં આવતો નથી.

રોકાણ શરૂ કરવાની સરળ પ્રક્રિયા
PhonePe એપમાં રોકાણ કરવા માટે સૌપ્રથમ ‘Mutual Funds & Deposits’ સેક્શનમાં જવાનું રહેશે. ત્યારબાદ FD અથવા Daily RD નો વિકલ્પ પસંદ કરીને સંબંધિત બેંક કે NBFC સિલેક્ટ કરવાની રહેશે. છેલ્લે, રોકાણની રકમ અને સમયગાળો નક્કી કરી ડિજિટલ વેરિફિકેશન પૂર્ણ કરીને રોકાણ શરૂ કરી શકાય છે.

રોકાણકારોને મળતા મુખ્ય ફાયદાઓ
ભાગીદાર બેંકોમાં કરાવેલી FD પર DICGC ના નિયમો અનુસાર રૂપિયા 5 લાખ સુધીનું વીમા કવચ ઉપલબ્ધ રહે છે. ગ્રાહકો એક જ પ્લેટફોર્મ પરથી અલગ-અલગ બેંકોની FD ને સરળતાથી મેનેજ કરી શકે છે અને બેંકમાં ગયા વગર માત્ર થોડી જ મિનિટોમાં રોકાણની પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!