TRAI નો નવો નિર્ણય: ફેક કોલ રોકવા 1601 સીરીઝ શરૂ થશે

મોબાઇલ પર આવતા ફેક અને ફ્રોડ કોલ પર લગામ કસવા માટે TRAI દ્વારા સેવાઓ અને ટ્રાન્ઝેક્શન માટે નવી 1601 નંબર સીરીઝ શરૂ કરવામાં આવી છે.

મોબાઇલ પર આવતા સેવાકીય અને ફ્રોડ કોલ વચ્ચેનો તફાવત ઓળખવો હવે વધુ સરળ બનશે. ટેલિકોમ નિયામક ઓથોરિટી (TRAI) એ વીજળી, પાણી, ગેસ, એલપીજી અને કુરિયર જેવી જરૂરી સેવાઓ પૂરી પાડતી કંપનીઓ માટે 1601 નંબર સીરીઝ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. હવે કંપનીઓ તેમના ગ્રાહકોને સર્વિસ અને ટ્રાન્ઝેક્શન સંબંધિત કોલ કરવા માટે આ જ સીરીઝના નંબરનો ઉપયોગ કરશે.

સામાન્ય નંબરના દુરુપયોગ પર વાગશે બ્રેક
હાલના સમયે મોટાભાગની બેંકો અને વિવિધ સેવાઓ આપતી કંપનીઓ સામાન્ય 10 આંકડાના મોબાઇલ નંબર પરથી જ કોલ કરે છે. આ બાબતનો ગેરફાયદો ઉઠાવીને સાયબર ઠગો પણ સામાન્ય નંબરથી કંપની કે સરકારી વિભાગના નામે લોકો સાથે ઠગાઈ કરતા હતા. નવી અલગ નંબર સીરીઝ શરૂ થવાથી અસલી સર્વિસ કોલની ઓળખ સરળતાથી થઈ શકશે અને સામાન્ય નંબરોથી થતા ફ્રોડ પર રોક લગાવી શકાશે.

પ્રથમ તબક્કામાં કઈ કંપનીઓને મળશે 1601 નંબર?
TRAI દ્વારા આ યોજના તબક્કાવાર રીતે અમલમાં મૂકવામાં આવશે. પ્રથમ તબક્કામાં યુટિલિટી, કુરિયર અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને આવરી લેવામાં આવ્યા છે. જેમાં વીજળી વિતરણ કંપનીઓ, વોટર સપ્લાય, સિટી ગેસ કંપનીઓ અને એલપીજી ડિસ્ટ્રિબ્યુટર્સ સામેલ છે. આ ઉપરાંત કુરિયર, પાર્સલ ડિલિવરી, એક્સપ્રેસ લોજિસ્ટિક્સ અને ફ્રેટ કંપનીઓ પણ આ સીરીઝનો ઉપયોગ કરી શકશે.

90 દિવસમાં પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે
ટેલિકોમ કંપનીઓએ આ પ્રથમ તબક્કામાં આવતી તમામ પાત્ર સંસ્થાઓને 90 દિવસની અંદર 1601 સીરીઝમાં માઇગ્રેટ અને ઓનબોર્ડ કરવાની રહેશે. આ નંબર આપતા પહેલાં ટેલિકોમ કંપનીઓ સંબંધિત સંસ્થા કે કંપનીની સંપૂર્ણ તપાસ કરશે, જેથી કોઈ પણ અજાણી સંસ્થા સીધો 1601 નંબર મેળવી શકશે નહીં.

પ્રમોશનલ કોલ પર રહેશે સંપૂર્ણ પ્રતિબંધ
TRAI એ સ્પષ્ટ કર્યું છે કે 1601 સીરીઝના નંબરનો ઉપયોગ જાહેરાત કે પ્રમોશનલ કોલિંગ માટે કરી શકાશે નહીં. આ નંબરનો ઉપયોગ માત્ર ગ્રાહકોને સેવા આપવા કે ટ્રાન્ઝેક્શન સંબંધિત જરૂરી માહિતી આપવા માટે જ થઈ શકશે.

ગ્રાહકો માટે શા માટે મહત્વનો છે આ ફેરફાર?
આજકાલ ફેક કોલ દ્વારા સાયબર ફ્રોડના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. ઠગ લોકો બેંક, વીજળી કંપની કે કુરિયર સર્વિસના કર્મચારી બનીને લોકોને જાળમાં ફસાવે છે. હવે અલગ સીરીઝ હોવાથી અસલી અને નકલી કોલ વચ્ચેનો ફરક સ્પષ્ટ થઈ જશે. છતાં પણ, માત્ર 1601 નંબર જોઈને આંધળો વિશ્વાસ ન કરવો અને OTP, PIN, પાસવર્ડ કે બેંકિંગ વિગતો કોઈ સાથે શેર ન કરવી.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!