NEET PG 2026 એક્ઝામ સિટી સ્લિપ આવતીકાલે જાહેર થઈ શકે છે. 30 ઓગસ્ટે યોજાનારી આ પરીક્ષા માટે 27 ઓગસ્ટે એડમિટ કાર્ડ જાહેર કરાશે.

નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ (NBEMS) આજે એટલે કે 11 ઓગસ્ટ 2026ના રોજ નીટ પીજી 2026 પરીક્ષા માટે એક્ઝામ સિટી ઇન્ટિમેશન સ્લિપ જાહેર કરી શકે છે. જે ઉમેદવારોએ આ પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે, તેઓ પોતાની લોગિન વિગતોનો ઉપયોગ કરીને બોર્ડની અધિકૃત વેબસાઇટ પરથી સિટી સ્લિપ ડાઉનલોડ કરી શકશે. નીટ પીજીની પરીક્ષા 30 ઓગસ્ટ 2026ના રોજ યોજાવાની છે.
એક્ઝામ સિટી સ્લિપનું મહત્વ
સિટી ઇન્ટિમેશન સ્લિપ દ્વારા ઉમેદવારોને તેમની પરીક્ષા કયા શહેરમાં યોજાશે તેની આગોતરી જાણકારી મળશે. અન્ય શહેરોમાં મુસાફરી કરીને પરીક્ષા આપવા જતા ઉમેદવારો માટે રહેવા અને જવાની વ્યવસ્થા કરવા માટે આ સ્લિપ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. નોંધનીય છે કે આ સિટી સ્લિપ એડમિટ કાર્ડ નથી. પરીક્ષા કેન્દ્રનું ચોક્કસ સરનામું અને અન્ય વિગતો એડમિટ કાર્ડમાં જ આપવામાં આવશે.
30 ઓગસ્ટે પરીક્ષા અને 27 ઓગસ્ટે એડમિટ કાર્ડ
આયોજન મુજબ NEET PG 2026ની પરીક્ષા 30 ઓગસ્ટે યોજાશે, જેના માટે એડમિટ કાર્ડ 27 ઓગસ્ટ 2026ના રોજ જાહેર કરવામાં આવશે. આ પરીક્ષા MD, MS, PG ડિપ્લોમા, પોસ્ટ MBBS DNB અને NBEMS ના વિવિધ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે લેવામાં આવતી રાષ્ટ્રીય સ્તરની પાત્રતા પરીક્ષા છે. ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર પર એડમિટ કાર્ડ સાથે માન્ય ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે.
સિટી સ્લિપ કેવી રીતે ડાઉનલોડ કરવી?
સિટી સ્લિપ ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ સૌથી પહેલા NBEMS ની અધિકૃત વેબસાઇટ nbe.edu.in પર જવાનું રહેશે. ત્યારબાદ હોમપેજ પર આપેલા ‘NEET PG 2026 City Intimation Slip’ લિંક પર ક્લિક કરીને પોતાની લોગિન વિગતો ભરીને સબમિટ કરવાની રહેશે. સબમિટ કરતાં જ સિટી સ્લિપ સ્ક્રીન પર દેખાશે, જેને ડાઉનલોડ કરીને પ્રિન્ટ કરી શકાશે.
સિટી સ્લિપમાં કઈ વિગતો જોવા મળશે?
જાહેર થનારી સિટી સ્લિપમાં ઉમેદવારનું નામ, એપ્લિકેશન નંબર, રોલ નંબર, ફાળવવામાં આવેલું પરીક્ષાનું શહેર, પરીક્ષાની તારીખ અને જરૂરી માર્ગદર્શિકા આપેલી હશે. પરીક્ષા સેન્ટરનું પૂરેપૂરું સરનામું મેળવવા માટે ઉમેદવારોએ 27 ઓગસ્ટે જાહેર થનારા એડમિટ કાર્ડની રાહ જોવાની રહેશે.











