ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતીને વેગ આપવા 4 જિલ્લામાં રૂપિયા 20 કરોડના ખર્ચે ‘સેન્ટર ઑફ એક્સેલન્સ’ સ્થાપવાની મંજૂરી આપી છે.

રાજ્યમાં ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે હેતુથી ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. વર્ષ 2026-27 માટે રાજ્યના ચાર અલગ-અલગ જિલ્લાઓમાં ‘સેન્ટર ઑફ એક્સેલન્સ’ નિર્માણ કરવા માટે રૂપિયા 20 કરોડની ફાળવણીને વહીવટી મંજૂરી આપી દેવામાં આવી છે. આ કેન્દ્રો પર એકસાથે 100 જેટલા ખેડૂતોને આધુનિક તાલીમ આપી શકાય તે પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે.
આ ચાર ગામોમાં કેન્દ્રોની સ્થાપના થશે
પહેલા તબક્કાની કામગીરી હેઠળ ચાર જિલ્લાના ગામોની પસંદગી કરાઈ છે. જેમાં નવસારીના વાંસદા તાલુકાનું નાની ભમતી ગામ, મોરબીનું હળવદ, ભાવનગરના શિહોર તાલુકાનું વળાવડ ગામ અને છોટા ઉદેપુરના જેતપુર પાવી તાલુકાના ચૂડેલ ગામનો સમાવેશ થાય છે. આ આખાય પ્રોજેક્ટના અમલીકરણની જવાબદારી ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડને સોંપાઈ છે.
ખેડૂતોને અપાશે બાયો-ઇનપુટ્સની પ્રાયોગિક તાલીમ
આ સ્થળો માત્ર તાલીમ આપવા પૂરતા સીમિત નહીં રહે, પરંતુ તેને સંપૂર્ણ ‘મોડેલ કેમ્પસ’ તરીકે ડેવલપ કરાશે. અહીં આવનાર ખેડૂતોને ખેતીની સમસ્યાઓના ઉકેલ સાથે જીવામૃત, ઘન જીવામૃત, નિમાસ્ત્ર અને બીજામૃત જેવી જરૂરી વસ્તુઓ જાતે બનાવતા શીખવાડવામાં આવશે. એટલું જ નહીં, આ કેન્દ્રો પરથી જ ખેડૂતોને વ્યાજબી કિંમતે બાયો-ઇનપુટ્સ પૂરા પાડવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે.
બિયારણથી લઈને માટી પરીક્ષણની સુવિધા
કૃષિકારોને આ સેન્ટર પરથી બાગાયતી પાકો માટે કલમો, કટીંગ, રોપા અને ઉત્તમ ગુણવત્તાના બિયારણો પણ મળી રહેશે. આ સાથે જ આચ્છાદન જેવી પદ્ધતિઓ વિશે સમજ અપાશે. જમીનની ફળદ્રુપતા ચકાસવા માટે માટી પરીક્ષણ, પ્રોડક્ટનું મૂલ્યવર્ધન (વેલ્યુ એડિશન) અને કાપણી પછીની આધુનિક પ્રક્રિયાઓનું સચોટ માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવશે.
ખેતરે જઈને પ્રેક્ટિકલ નિદર્શન અને આવકમાં વધારો
કેન્દ્રોની સાથે સાથે ખેડૂતોના ખેતરમાં રૂબરૂ જઈને પંચસ્તરીય મોડેલ, સહજીવી અને મિશ્ર પાક પદ્ધતિનું પ્રેક્ટિકલ નોલેજ આપવામાં આવશે. સરકારના આ પગલાંથી ખેડૂતોને એક જ છત નીચે તમામ સુવિધાઓ અને જ્ઞાન મળશે. બાયો-ઇનપુટ્સના ઉપયોગથી ખેતી પાછળ થતો ખર્ચ ઘટશે અને પેકેજિંગ તથા પ્રોસેસિંગ શીખવાથી તેમના પાકના સારા ભાવ મળતા ખેડૂતોની આવકમાં પણ નોંધપાત્ર વધારો થશે.











