IPL ક્રિકેટર અભિષેક પોરેલની હુગલીમાંથી ધરપકડ

લગ્નની લાલચ આપીને શારીરિક શોષણ કરવાના આરોપમાં દિલ્હી કેપિટલ્સના ક્રિકેટર અભિષેક પોરેલની મંગળવારે હુગલી પોલીસે ધરપકડ કરી છે.

IPLમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા અને બંગાળના ઘરેલુ ક્રિકેટર અભિષેક પોરેલની મંગળવારે હુગલી જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે. લગ્નનું વચન આપીને મહિલા સાથે શારીરિક સંબંધ બાંધવાના ગંભીર આરોપસર મંગળવારના રોજ મૌગ્રા પોલીસ સ્ટેશનની ટીમે સોમવારની મોડી રાત્રે આ કાર્યવાહી કરી હતી. હુગલી (ગ્રામીણ) પોલીસ સુપ્રિન્ટિન્ડન્ટ કુનાર ભૂષણ સિંહે આ ધરપકડની પુષ્ટિ કરતાં જણાવ્યું કે, અદાલતના આદેશ બાદ આ નિર્ણય લેવાયો છે અને તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

BNS અને IT એક્ટ હેઠળ ગુનો નોંધાયો
પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ, મૌગ્રા પોલીસે અભિષેક પોરેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 69 સહિત અન્ય કલમો તેમજ ઈન્ફોર્મેશન ટેકનોલોજી (IT) એક્ટની જોગવાઈઓ હેઠળ ગુનો દાખલ કર્યો છે. મોડી રાત્રે ધરપકડ કરાયા બાદ મંગળવારે તેમને ચિન્સુરા અદાલત સમક્ષ રજૂ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

કર્ણાટકની મેડિકલ સ્ટુડન્ટે નોંધાવી ફરિયાદ
આ સમગ્ર મામલે કર્ણાટકમાં અભ્યાસ કરતી એક મેડિકલ વિદ્યાર્થીનીએ 23 જૂને મૌગ્રા પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી હતી. ફરિયાદ અનુસાર, પીડિતા અને અભિષેક છેલ્લા સાડા ત્રણ વર્ષથી રિલેશનશિપમાં હતા અને બંને લગ્ન કરવાનું આયોજન કરી રહ્યા હતા. ફરિયાદ મળ્યા બાદ પોલીસે તપાસ તેજ કરી હતી અને ચંદનનગરમાં આવેલા અભિષેકના ઘરે પણ અનેકવાર દરોડા પાડ્યા હતા, પરંતુ તે મળી આવ્યો નહોતો. આ મામલે પોરેલ પરિવાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.

કેવું રહ્યું છે અભિષેક પોરેલનું ક્રિકેટ કરિયર
બંગાળ માટે ઘરેલુ ક્રિકેટ રમતા અભિષેક પોરેલે અત્યાર સુધીના કરિયરમાં 32 ફર્સ્ટ ક્લાસ, 23 લિસ્ટ-એ અને 61 T20 મેચો રમી છે. જેમાં તેણે ફર્સ્ટ ક્લાસમાં 1408 રન, લિસ્ટ-એ માં 833 રન અને T20 માં 1590 રન બનાવ્યા છે. આ ઉપરાંત, વર્ષ 2023થી IPLનો હિસ્સો રહેલા પોરેલે અત્યાર સુધી લીગમાં 35 મેચો રમી છે, જેમાં 33 ઇનિંગ્સમાં બેટિંગ કરતાં તેણે 769 રન નોંધાવ્યા છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!