અમદાવાદમાં AIથી બનાવેલા ફેક ગરબા પાસનું મોટું કૌભાંડ ઝડપાયું! રાજસ્થાનથી બેની ધરપકડ

અમદાવાદ સાયબર ક્રાઈમે 640 ડુપ્લિકેટ પાસ વેચનારા રાજસ્થાનના બેને ઝડપ્યા.આ બંને આરોપીઓ ગરબે ઘુમવા માટે ઊંચી કિંમતે પાસ ખરીદવા તૈયાર ખેલૈયાઓને AIની મદદથી બોગસ પાસ બનાવીને ઓનલાઈન વેચતા હતા.

અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમે શહેરમાં આયોજિત જાણીતા અને પ્રતિષ્ઠિત ગરબા મહોત્સવના AI Fake Garba Passes વેચવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ મામલે રાજસ્થાનથી બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ બંને આરોપીઓ ગરબે ઘુમવા માટે ઊંચી કિંમતે પાસ ખરીદવા તૈયાર ખેલૈયાઓને AIની મદદથી બોગસ પાસ બનાવીને ઓનલાઈન વેચતા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદમાં આયોજિત ગરબા આયોજનોના પાસ ‘વીર રાજપૂત’ નામના ઈન્સ્ટાગ્રામ આઈડી પર ડિસ્કાઉન્ટમાં વેચાતા હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમને મળી હતી. ડિસ્કાઉન્ટ પર AI Fake Garba Passes ખરીદીને નાણાં ગુમાવનારાઓની ફરિયાદ બાદ તપાસ શરૂ થઈ અને કૌભાંડનું પગેરું રાજસ્થાન સુધી પહોંચ્યું.

સાયબર ક્રાઈમ ટીમે જોધપુરના બાલાજીનગરના વિરેન્દ્રસિંહ રાજપૂત (ઉંમર 21) અને ફલોદીના ખેરાબગોડિયા ગામના કિશનસિંહ રાઠોડ (ઉંમર 22)ને ઝડપી પાડ્યા છે. આ બંને ‘વીર રાજપૂત’ ઈન્સ્ટાગ્રામ આઈડી ચલાવતા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે તેમણે AIની મદદથી ઑફ બીટ, વનરાત્રી, રંગ મોરલો, સફેદ પરિંદે સહિત 20થી વધુ ગરબા આયોજનના લગભગ 640 ડુપ્લિકેટ પાસ બનાવીને ખેલૈયાઓને વેચ્યા હતા અને આઠ લાખ રૂપિયાની કમાણી કરી હતી.

પોલીસની હાજરીમાં જ આરોપીઓએ ChatGPTની મદદથી મિનિટોમાં ડુપ્લિકેટ પાસ તૈયાર કરી બતાવ્યા હતા. આ ઘટના ગરબા સીઝનમાં ઓનલાઈન ફ્રોડ અને AIના દુરુપયોગની ગંભીરતા દર્શાવે છે. સાયબર ક્રાઈમ વિભાગે વધુ તપાસ હાથ ધરી છે અને જનતાને સાચા સ્ત્રોતમાંથી જ પાસ ખરીદવાની સલાહ આપી છે. આ મામલે વધુ વિગતો માટે તપાસ ચાલુ છે.

 

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!