પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને આકસ્મિક સંજોગોની જરૂરિયાતને પહોંચી વળવાના હેતુથી હેપ્પી યુથ ક્લબ દ્વારા કરાયું હતું આયોજન

ગાંધીનગર : અત્યારે દેશમાં પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને આકસ્મિક સંજોગોની જરૂરિયાતને પહોંચી વળવાના હેતુથી તેમજ હેપ્પી યુથ ફાઉન્ડેશન, ગાંધીનગર સંચાલિત હેપ્પી યુથ ક્લબ દ્વારા તા.૧૮મી મે, ૨૦૨૫ રવિવારના રોજ ગાંધીનગરના સેક્ટર-૧૧માં સેક્ટર-૧૧માં અખબાર ભવનના કમિટી રૂમ ખાતે “હેપ્પી રક્તદાન શિબિર”નું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઉનાળાની આકરી ગરમીના દિવસો ચલી રહ્યાં છે, આ સ્થિતિમાં રક્તદાનની પ્રવૃત્તિમાં ઓટ આવવાને કારણે ગાંધીનગર સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકમાં રક્ત પુરવઠાની ખેંચ વર્તાઈ રહી છે.

આ બાબતને અનુલક્ષીને તેમજ શહેરની સેવાભાવી યુવાનોની સંસ્થા હેપ્પી યુથ ક્લબના દસ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે આયોજિત હેપ્પી રક્તદાન શિબિરમાં રક્તદાન કરનાર તમામ રક્તદાતાને પ્રમાણપત્ર સાથે “રક્તદાતા પ્રોત્સાહન કિટ” આપી સન્માનીત કરવામાં આવ્યાં હતા. “હેપ્પી રક્તદાન શિબિર”માં રક્ત એકત્ર કરવાની સેવા ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતેથી બ્લડ બેંકની ટીમ દ્વારા આપવામાં આવી હતી. આ “હેપ્પી રક્તદાન શિબિર”માં એકત્રિત રક્ત આકસ્મિક યુદ્ધની પરિસ્થિતિ કે જરૂરિયાતમંદ દર્દીઓને અકસ્માત, ઓપરેશન કે ગંભીર બીમારીની સારવાર જેવા અણીના સમયે જીવન બચાવવા ઉપયોગી નીવડશે.











