ગાંધીનગર જિલ્લામાં મેઘમહેર: ડભોડા-ચિલોડા પંથકમાં ભારે વરસાદથી ભરાયા પાણી

ખાસ કરીને ચિલોડા સર્કલ પાસેના ચિલોડાથી દહેગામ જતા માર્ગ પર પાણીના તળાવ ભરાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા, જેને લીધે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ગાંધીનગર, સોમવાર : રાજધાની ગાંધીનગરના ડભોડા અને ચિલોડા પંથકમાં ગત રાત્રિએ ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ખાસ કરીને ચિલોડા સર્કલ પાસેના ચિલોડાથી દહેગામ જતા માર્ગ પર પાણીના તળાવ ભરાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા, જેને લીધે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આજે બીજા દિવસે પણ રોડ પરથી પાણી ખાલી ન થતા, અસંખ્ય વાહનચાલકોને પાણીમાંથી પસાર થવું પડ્યું હતું. એટલું જ નહીં, કેટલાક ટુ-વ્હીલર્સ તો પાણીમાં બંધ પણ પડી ગયા હતા. ચિલોડા, ચંદ્રાલા, શીવપુરા કંપા, છાલા સહિતના પટ્ટામાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. શીવપુરા કંપા વિસ્તારમાં તો વાવણી કરેલા ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાયા હતા.

ડભોડા પંથકમાં કડાકા-ભડાકા સાથે વરસાદ
ડભોડા પંથકમાં આવેલા વિરાતલાવડી, વાંકાનેરડા, નવાપુરા, રાયપુર અને વડોદરા સહિતના ગામોમાં પણ સારો વરસાદ નોંધાયો હતો. આ વિસ્તારોમાં રાત્રે ભારે વીજ તાંડવ જોવા મળ્યું હતું, જ્યાં આકાશની વીજળી જમીન પર ત્રાટકતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આકાશમાં થતી ભારે ગાજવીજથી લોકો ભયભીત બની ઘરોમાં પૂરાઈ રહ્યા હતા.

જોકે, આ વરસાદી માહોલથી પંથકના અનેક ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. હાલમાં ખેડ કરવા લાયક સારો વરસાદ વરસતા, ખેડૂતો વરાપ નીકળ્યા બાદ તાત્કાલિક વાવણીની શરૂઆત કરી દેશે તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે. આ વરસાદથી જમીનને પૂરતું પાણી મળતાં ખેતી માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે.

Weu Network
Author: Weu Network

Leave a Comment

Read More

error: Content is protected !!