આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અન્ય મૃતકોના DNA મેચિંગ અને પાર્થિવ દેહ સોંપવાની કામગીરી પણ ચાલી રહી છે. અત્યાર સુધીમાં 33 જેટલા મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા છે.

રાજકોટ, સોમવાર : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના આજે રાજકોટમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ગુરુવારે થયેલી એક ગોઝારી પ્લેન દુર્ઘટનામાં તેમણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. ડીએનએ ટેસ્ટની પ્રક્રિયા પૂર્ણ થતા, તેમના ડીએનએ મેચ થયા છે અને આજે તેમનો પાર્થિવ દેહ પરિવારને સોંપવામાં આવશે. આજે સાંજે રાજકોટમાં તેમની અંતિમ યાત્રા નીકળશે અને તેઓ પંચમહાભૂતમાં વિલીન થશે.
રાજકીય શોકની જાહેરાત
પૂર્વ CM વિજય રૂપાણીના નિધન પર રાજ્ય સરકારે એક દિવસીય રાજકીય શોકની જાહેરાત કરી છે. આજે રાજ્યભરની તમામ સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. આ નિર્ણય તેમના પ્રત્યે આદર અને શોક વ્યક્ત કરવા માટે લેવામાં આવ્યો છે.
દુર્ઘટના અને ડીએનએ મેચિંગ
12 જૂન 2025ના રોજ અમદાવાદના મેઘાણીનગરમાં બનેલી વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 275થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટના બાદ મૃતદેહોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 33 જેટલા મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવ્યા છે.
અંતિમ યાત્રાનો કાર્યક્રમ
આજે સાંજે 6 વાગ્યે વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમની અંતિમ યાત્રા સાંજે 5 વાગ્યે નીકળશે, જે રાજકોટના મુખ્ય માર્ગો પરથી પસાર થશે. તેમની અંતિમ યાત્રાનો રૂટ નીચે મુજબ છે:
– પ્રકાશ સોસાયટીથી કોટેચા ચોક સુધી
– કાલાવડ રોડ અંડરપાસથી એસ્ટ્રોન ચોક સુધી
– યાજ્ઞિક રોડથી ડીએચ કોલેજ સુધી
– માલવીયા ચોકથી કોર્પોરેશન ચોક સુધી
– સાંગણવા ચોકથી પેલેસ રોડથી રામનાથ પરા સુધી
શ્રદ્ધાંજલિ માટે લોકો ઉમટ્યા
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે લોકોએ રાજકોટ પહોંચવાનું શરૂ કરી દીધું છે. શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે વહીવટીતંત્રે પૂરતા સુરક્ષા દળો પણ તૈનાત કર્યા છે. આ દુઃખદ ઘડીમાં સમગ્ર રાજ્ય શોકમગ્ન છે અને સૌ કોઈ પૂર્વ મુખ્યમંત્રીને અંતિમ વિદાય આપવા માટે તૈયાર છે. વિજય રૂપાણીનું નિધન ગુજરાતના રાજકારણ માટે એક મોટી ખોટ છે.











