ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ: શી જિનપિંગે તોડી ચુપ્પી, ઘાયલ મિત્ર પર શું બોલ્યા ચીની રાષ્ટ્રપતિ?

શુક્રવારે શરૂ થયેલા આ ઇઝરાયેલ-ઈરાન સંઘર્ષ પર શી જિનપિંગે પોતાની પ્રથમ સાર્વજનિક ટિપ્પણીમાં સ્પષ્ટ કર્યું કે ચીન કોઈપણ એવા કૃત્યનો વિરોધ કરે છે જે અન્ય દેશોની સાર્વભૌમત્વ, સુરક્ષા અને ક્ષેત્રીય અખંડિતતાનું ઉલ્લંઘન કરતું હોય.

બેઇજિંગ, બુધવાર
ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ પર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આખરે પોતાની ચુપ્પી તોડી છે. પાંચ દિવસથી ચાલી રહેલા આ યુદ્ધમાં પહેલીવાર ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે બેઇજિંગ આ સંઘર્ષથી ખૂબ જ ચિંતિત છે. ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆના મંગળવારના રિપોર્ટ અનુસાર, શી જિનપિંગે જણાવ્યું કે તેમનો દેશ મધ્ય પૂર્વમાં અચાનક વધેલા તણાવથી અત્યંત ચિંતિત છે, જે ઈરાન સામે ઇઝરાયેલની સૈન્ય કાર્યવાહીને કારણે થયો છે.

ચીનની ચિંતા અને સાર્વભૌમત્વનું સમર્થન
શુક્રવારે શરૂ થયેલા આ ઇઝરાયેલ-ઈરાન સંઘર્ષ પર શી જિનપિંગે પોતાની પ્રથમ સાર્વજનિક ટિપ્પણીમાં સ્પષ્ટ કર્યું કે ચીન કોઈપણ એવા કૃત્યનો વિરોધ કરે છે જે અન્ય દેશોની સાર્વભૌમત્વ, સુરક્ષા અને ક્ષેત્રીય અખંડિતતાનું ઉલ્લંઘન કરતું હોય. નોંધનીય છે કે ચીન ઈરાનનું એક પ્રમુખ રાજદ્વારી અને આર્થિક સમર્થક તેમજ મિત્ર રહ્યું છે.

યુદ્ધ સમસ્યાનો ઉકેલ નથી: શી જિનપિંગ
કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનામાં ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શાવકત મિર્ઝિયોયેવ સાથે વાત કરતા શી જિનપિંગે જણાવ્યું, “સૈન્ય સંઘર્ષ સમસ્યાઓ હલ કરવાનો રસ્તો નથી અને ક્ષેત્રીય તણાવનું વધવું આંતરરાષ્ટ્રીય સમુદાયના સહિયારા હિતોમાં નથી.” શી જિનપિંગ બીજા ચીન-મધ્ય એશિયા શિખર સંમેલન માટે હાલ અસ્તાનામાં છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે બંને પક્ષોએ શક્ય તેટલી વહેલી તકે સંઘર્ષને શાંત કરવા માટે કામ કરવું જોઈએ. તેમણે ઉમેર્યું કે ચીન ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા સ્થાપિત કરવામાં રચનાત્મક ભૂમિકા ભજવવા માટે તમામ પક્ષો સાથે મળીને કામ કરવા તૈયાર છે.

ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ નવા મોડ પર
બીજી તરફ, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેનો યુદ્ધ એક નવા મોડ પર પહોંચી ગયો છે, જેમાં ઈરાનના સૈન્ય પ્રમુખ શાહમાણીને મારી નાખવાનો દાવો કરવામાં આવ્યો છે. ઇઝરાયેલે દાવો કર્યો છે કે ઈરાનના યુદ્ધકાલીન ચીફ ઓફ સ્ટાફ અને ઈસ્લામિક રિપબ્લિકના સૌથી વરિષ્ઠ અધિકારીઓમાંથી એક અલી શાહમાણીને ઠાર કરવામાં આવ્યા છે. ઇઝરાયેલે તેહરાનમાં તેના સરકારી મીડિયા આઈઆરઆઈબી ન્યૂઝના મુખ્ય મથકને પણ નિશાન બનાવ્યું છે.

227 ઈરાની નાગરિકોના મોત, યુએનની અપીલ
ઇઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં 227 ઈરાની નાગરિકોના મોત થયા છે. ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બાઘેઈએ સોમવારે આઈઆરઆઈબી ન્યૂઝ હેડક્વાર્ટર પર થયેલા ઇઝરાયેલી હુમલાની પુષ્ટિ કરતા તેને “અપરાધ” ગણાવ્યો હતો. તેમણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને ઇઝરાયેલી હુમલાને રોકવા વિનંતી કરી છે. બાઘેઈએ X પર કહ્યું, “ઇઝરાયેલે સરકારી ટેલિવિઝન અને રેડિયો કંપની પર હુમલો કરીને વધુ એક જઘન્ય અપરાધ કર્યો છે અને ઈરાનની જનતા પર થઈ રહેલા હુમલાઓને રોકવા માટે સુરક્ષા પરિષદને પોતાની જવાબદારી પૂરી કરવી પડશે.’

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!