ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં અનાર્મ પો.કો.ની લાંચ લેતા ધરપકડ, ડીટેઈન કરેલા એક્ટિવા છોડાવવા 1 લાખ રૂપિયાની માંગણી

આ ઘટનાથી પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, અને ACB ની સક્રિયતાથી આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ખેડબ્રહ્મા, શુક્રવાર
ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ વિકાસકુમાર હસમુખભાઈ પટેલ બક્કલ નં. 725ને લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. વિકાસકુમારે એક જાગૃત નાગરિક પાસેથી 1,00,000/-ની લાંચ સ્વીકારી હતી. આ ગુનો ગુરુવાર, 19 જૂન, 2025ના રોજ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડની બહાર પાર્કિંગ વિસ્તારમાં બન્યો હતો.

શું હતો સમગ્ર મામલો?
ફરિયાદી જે અગાઉ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂનો ધંધો કરતા હતા, તેમણે નવેમ્બર 2024થી આ ધંધો બંધ કરી દીધો હતો. જોકે, છેલ્લા બે-ત્રણ મહિનાના હપ્તાની રકમ આરોપી વિકાસકુમારને ફરિયાદી પાસેથી લેવાની બાકી હતી.

ગત 17 મે, 2025ના રોજ ફરિયાદી અને તેમના બે મિત્રોના ત્રણ એક્ટિવા સાબરકાંઠા SOG દ્વારા ડિટેઈન કરવામાં આવ્યા હતા અને તેમને કોર્ટ મેમો આપવામાં આવ્યા હતા. ફરિયાદી અને તેમના મિત્રોએ કોર્ટમાં દંડ ભરી દીધો અને એક્ટિવા છોડાવવા માટે પોલીસ સ્ટેશન ગયા. ત્યાં ટ્રાફિક જમાદારે તેમને જણાવ્યું કે, “ત્રણેય એક્ટિવાની ચાવી અને RC બુક પોલીસ કોન્સ્ટેબલ વિકાસભાઈ પાસે છે, અને તેમણે એક્ટિવા આપવાની ના પાડી છે.”

ત્યારબાદ ફરિયાદીએ પોલીસ ઇન્સ્પેક્ટર પઢેરિયાનો સંપર્ક કર્યો અને પોતાના એક્ટિવા પરત મેળવવા રજૂઆત કરી. PI પઢેરિયાએ પણ ફરિયાદીને કહ્યું કે, વિકાસભાઈનો હિસાબ પૂરો કરી દેજો પછી એક્ટિવા મળશે. આથી ફરિયાદી ત્યાંથી પાછા ફર્યા.

લાંચની માંગણી અને છટકું
પોતાના ત્રણ એક્ટિવા પરત મેળવવા માટે ફરિયાદીએ વિકાસકુમાર જે વહીવટદાર તરીકે પણ ઓળખાય છે, ને વારંવાર વિનંતી કરી. વિકાસકુમારે તેમના અગાઉના હિસાબ પેટે 1,65,000/- ની માંગણી કરી અને જણાવ્યું કે આ રકમ ચૂકવવામાં આવે તો જ ત્રણેય એક્ટિવા પાછા મળશે. આ રકમમાંથી 1,00,000/- ચૂકવવાનું નક્કી થયું હતું.

જોકે, ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો અને ફરિયાદ દાખલ કરી. ACB દ્વારા ગુરુવારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું. આ ટ્રેપ દરમિયાન, આરોપી વિકાસકુમારે ફરિયાદી પાસેથી લાંચની રકમ માંગી અને સ્વીકારી, અને તેમને 1,00,000/- ની રકમ સાથે રંગેહાથ પકડી પાડવામાં આવ્યા. રિકવર કરાયેલી રકમ પણ 1,00,000/- છે.

ACB ટીમની કાર્યવાહી
આ ટ્રેપ ઓપરેશન ડી.બી. મહેતા, ફિલ્ડ-૩, ACB (ઇન્ટેવિંગ), ગુ.રા., અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમને એસ.એન. બારોટ, ફિલ્ડ-૩, ACB (ઇન્ટેવિંગ), ગુ.રા., અમદાવાદ દ્વારા મદદ કરવામાં આવી હતી, જેઓ સુપરવિઝન અધિકારી પણ હતા.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!