અત્યાર સુધીમાં જે 202 મૃતદેહો સોંપવામાં આવ્યા છે તેમાં 151 ભારતીય, 34 UKના નાગરિકો, 7 પોર્ટુગીઝ, 1 કેનેડિયન અને 9 સ્થાનિક નાગરિકોનો સમાવેશ થાય છે.

અમદાવાદ, શુક્રવાર
12 જૂનના રોજ અમદાવાદમાં થયેલી ગોઝારી એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 242 યાત્રીઓમાંથી માત્ર એક જ વ્યક્તિ જીવિત બચ્યા હતા. આ દુર્ઘટના બાદ મૃતદેહોની ઓળખ અને તેમના પરિવારજનોને સુપરત કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં અત્યાર સુધીમાં 220 DNA સેમ્પલ મેચ થઈ ચૂક્યા છે અને 202 મૃતદેહો પરિવારોને સોંપવામાં આવ્યા છે.
DNA મેચિંગ માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ
આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોની ઓળખ માટે DNA ટેસ્ટિંગમાં અત્યંત આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલિકે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, “DNA ટેસ્ટ માટે આધુનિક પદ્ધતિનો ઉપયોગ થઈ રહ્યો છે, જેથી મૃતકોના પરિવારજનોને વહેલી તકે તેમના મૃતદેહો સુપરત કરી શકાય.”
અત્યાર સુધીમાં જે 202 મૃતદેહો સોંપવામાં આવ્યા છે તેમાં 151 ભારતીય, 34 UKના નાગરિકો, 7 પોર્ટુગીઝ, 1 કેનેડિયન અને 9 સ્થાનિક નાગરિકોનો સમાવેશ થાય છે. બાકીના મૃતદેહોને પણ ટૂંક સમયમાં તેમના પરિવારજનોને સોંપવામાં આવશે.
પૂર્વ મુખ્યમંત્રી સહિત અનેક લોકોએ ગુમાવ્યો જીવ
આ દુર્ઘટના એટલી ભયાવહ હતી કે તેમાં સામાન્ય યાત્રીઓ ઉપરાંત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેઓ પોતાના પરિવારને મળવા લંડન જઈ રહ્યા હતા ત્યારે આ કરુણ ઘટના બની હતી.
એરપોર્ટ પરથી ટેક-ઓફ કર્યાના ગણતરીના સમયમાં જ ફ્લાઇટ ક્રેશ થઈ હતી. આ પ્લેન મેઘાણી નગરમાં આવેલી બોયઝ મેડિકલ હોસ્ટેલના મેસ પર પડ્યું હતું, જેના કારણે આશરે 20 જેટલા વિદ્યાર્થીઓ પણ મોતને ભેટ્યા હતા. આ દુર્ઘટનાએ સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.











