ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો અને સ્થાનિક લોકો કેનાલ કિનારે એકઠા થઈ ગયા હતા. તંત્રને જાણ કરવામાં આવતા તરવૈયાઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી.

ખેડા, રવિવાર
ખેડા જિલ્લાના ગળેશ્વર નજીક સેવાલિયા થર્મલ પાવર સ્ટેશન પાસે આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાં રવિવારે બપોરે નહાવા પડેલા ચાર મિત્રો પૈકી ત્રણ યુવકો ડૂબી ગયા હોવાની દુર્ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તરવૈયાઓની મદદથી યુવકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જેમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે અન્ય બે યુવકોની શોધખોળ હજુ ચાલુ છે.
ઘટનાની વિગત
પ્રાથમિક માહિતી અનુસાર, રવિવાર હોવાથી ચાર મિત્રો ગળેશ્વર નજીક આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાં નહાવા માટે ગયા હતા. નહાતી વખતે બે મિત્રો અચાનક ડૂબવા લાગ્યા હતા. તેમને બચાવવાના પ્રયાસમાં અન્ય એક મિત્ર પણ કેનાલમાં ઉતર્યો અને તે પણ ડૂબી ગયો હતો. ચોથો મિત્ર ગભરાઈને ત્યાંથી ભાગી છૂટ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો અને સ્થાનિક લોકો કેનાલ કિનારે એકઠા થઈ ગયા હતા. તંત્રને જાણ કરવામાં આવતા તરવૈયાઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી.
એક યુવકનો મૃતદેહ મળ્યો, બે ગુમ
લાંબા સમયની શોધખોળ બાદ તરવૈયાઓને એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક યુવક થર્મલના નગરી વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય બે ડૂબી ગયેલા યુવકોની શોધખોળ હજુ પણ ચાલુ છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.










