બબલપુરા પાટિયા પાસે ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારતા બન્ને યુવાનોના ઘટનાસ્થળે મોત થયા હતા.

દહેગામ, રવિવાર
દહેગામ-મોડાસા હાઈવે પર બબલપુરા પાટિયા પાસે એક ગમખ્વાર રોડ અકસ્માત સર્જાયો છે, જેમાં બે બાઈક સવાર યુવાનોએ જીવ ગુમાવ્યા છે. ટ્રક અને બાઈક વચ્ચે થયેલી આ ભયાનક ટક્કરમાં બંને યુવાનોનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
પ્રાથમિક માહિતી મુજબ, મૃતક યુવાનો દહેગામ તાલુકાના ધારીસણા ગામના વતની હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

ઘટનાની જાણ થતાં જ રખિયાલ પોલીસનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે બંને મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ (PM) માટે રખિયાલના સરકારી દવાખાને મોકલી આપ્યા હતા.
રખિયાલ પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલી રહી છે. આ અકસ્માત કેવી રીતે થયો તે અંગે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર હાઈવે પર સુરક્ષાના મુદ્દે ચિંતા જગાવી છે.










