CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી પહેલ, 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને 724 કરોડની DBT સહાય

મુખ્યમંત્રીએ સિંગલ ક્લિક દ્વારા રાજ્યના 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને 724 કરોડથી વધુની સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા સીધા તેમના બેંક ખાતામાં જમા કરાવી છે.

ગાંધીનગર, ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે શિક્ષણ ક્ષેત્રે વધુ એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી છે. ટ્રાન્સપરન્ટ, ટાઈમલી અને ટેકનોલોજી આધારિત ગવર્નન્સના ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા, મુખ્યમંત્રીએ સિંગલ ક્લિક દ્વારા રાજ્યના 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને 724 કરોડથી વધુની સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા સીધા તેમના બેંક ખાતામાં જમા કરાવી છે. આ સહાય નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશિપ યોજના હેઠળ ચૂકવવામાં આવી છે.

યોજનાઓ અને તેના લાભાર્થીઓ

નમો લક્ષ્મી યોજના
આ યોજના અંતર્ગત 10.83 લાખ કન્યા છાત્રાઓને 600 કરોડની સહાય મળી છે. આ યોજના ધોરણ 9થી 12માં અભ્યાસ કરતી કન્યાઓનો ડ્રોપઆઉટ રેટ ઘટાડવા અને તેમને શિક્ષણની સાથે પૂરતું પોષણ પૂરું પાડી સશક્તિકરણ કરવાના હેતુથી કાર્યરત છે. ધોરણ 9-10 માટે વાર્ષિક 10,000 અને ધોરણ 11-12 માટે વાર્ષિક 15,000ની સહાય આપવામાં આવે છે. આ યોજનાના પરિણામે માધ્યમિક શાળાઓમાં કન્યાઓના નામાંકનમાં 16% નો વધારો થયો છે.

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના
વિજ્ઞાન પ્રવાહના 1.53 લાખ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને 52 કરોડનો સહાય લાભ મળ્યો છે. ધોરણ 10 પાસ કર્યા પછી વધુને વધુ વિદ્યાર્થીઓ ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા પ્રોત્સાહિત થાય તે હેતુથી આ યોજના લાગુ કરવામાં આવી છે. આ યોજના હેઠળ બે વર્ષ દરમિયાન કુલ 25,000ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનાના પરિણામે વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓમાં 11%ની વૃદ્ધિ થઈ છે. ગુજરાત સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી અને ડિજિટલ સાયન્સ જેવા ક્ષેત્રોનું હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે, ત્યારે ભવિષ્યમાં કુશળ તકનીકી કાર્યબળની માંગ પૂરી કરવામાં આ યોજના મહત્વનો ભાગ ભજવશે.

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના
આ યોજના હેઠળ 50 હજાર વિદ્યાર્થીઓને કુલ 41 કરોડથી વધુની સ્કોલરશિપ ચૂકવવામાં આવી છે. ધોરણ 1થી 8માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસ કર્યો હોય અને RTE અંતર્ગત અભ્યાસ પૂર્ણ કર્યો હોય તેવા રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ આપવામાં આવે છે.

મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશિપ યોજના
આ યોજના અંતર્ગત 60 હજાર વિદ્યાર્થીઓને 31 કરોડથી વધુની સ્કોલરશિપનું ચૂકવણું થયું છે. ધોરણ 1થી 5માં સળંગ અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 5નો અભ્યાસ પૂર્ણ કરનારા તેજસ્વી વિદ્યાર્થીઓ મેરિટના ધોરણે ધોરણ 6માં રાજ્યની શાળાઓમાં પ્રવેશ મેળવી ધોરણ 12 સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે 30 હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવે છે.

સમગ્રતયા ચૂકવાયેલી સહાય
અત્યાર સુધીમાં વિવિધ તબક્કે આ ચારેય યોજનાઓ અંતર્ગત રાજ્યના 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને 594.98 કરોડથી વધુની રકમની સહાય ચૂકવવામાં આવી હતી. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ 724 કરોડની સહાય DBTથી ચૂકવતા, સમગ્રતયા કુલ 1318.98 કરોડની માતબર સહાય શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને ચૂકવવામાં આવી છે.

પારદર્શક અને ટેકનોલોજીયુક્ત ગવર્નન્સ
શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા આ સહાય વિદ્યાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવી હતી. રાજ્ય સરકારે યોજનાઓના લાભ સંબંધિત લાભાર્થીઓને સરળતાથી પહોંચે તેવો ટ્રાન્સપરન્ટ, સ્પીડી અને ટેકનોલોજી યુક્ત ગવર્નન્સનો અભિગમ અપનાવ્યો છે, જે આજના કાર્યક્રમમાં સ્પષ્ટપણે જોવા મળ્યો.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!