ગાંધીનગરમાં મચ્છરજન્ય રોગચાળા સામે મેગા એક્શન: 2.34 લાખ ઘરોનું સર્વેક્ષણ, 44 હજારથી વધુ સ્થળોએ મળ્યા મચ્છરના પોરા

આ વ્યાપક અભિયાન ગાંધીનગર જિલ્લામાં મચ્છરજન્ય રોગોના ફેલાવાને નિયંત્રિત કરવામાં મદદરૂપ થશે અને પબ્લિક હેલ્થ માટે એક સકારાત્મક સ્ટેપ સાબિત થશે.

ગાંધીનગર, બુધવાર
ગાંધીનગર જિલ્લામાં મચ્છરજન્ય રોગોને અટકાવવા માટે આરોગ્ય વિભાગે એક વિશાળ કેમ્પેઈન હાથ ધર્યું છે. રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ આ સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં લાખો ઘરો અને હજારો લોકોનો સમાવેશ થાય છે. આ પહેલનો મુખ્ય હેતુ મચ્છરોના બ્રીડિંગ સ્પોટ્સ શોધીને તેનો નાશ કરવાનો અને લોકોમાં જાગૃતિ લાવવાનો છે.

સર્વેક્ષણની મુખ્ય વિગતો
આરોગ્ય વિભાગ દ્વારા 2996 ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ડોર-ટુ-ડોર જઈને તપાસ કરી હતી. 40 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને 5 શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના વિસ્તારોમાં આ સર્વે હાથ ધરાયો હતો. આરોગ્ય કર્મચારીઓ અને આશા બહેનોની ટીમે કુલ 2,34,189 ઘરોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન 11,29,351 લોકોની તપાસ કરવામાં આવી.

મચ્છરના પોરાનો નાશ
કુલ 2179 ઘરોના પાત્રોમાં અને ઘરની બહાર મળીને 43,910 જગ્યાએથી મચ્છરના પોરા મળી આવ્યા હતા. આ તમામ પોરાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો, જે મચ્છર નિયંત્રણ માટે એક મહત્વપૂર્ણ પગલું છે. ટીમોએ માત્ર ઘરો જ નહીં, પરંતુ જાહેર સ્થળોનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ ઝુંબેશ દરમિયાન કુલ 2397 બ્લડ સેમ્પલ લઈને તેની તપાસ કરવામાં આવી હતી, જેથી મચ્છરજન્ય રોગોના કેસને વહેલી તકે શોધી શકાય.

જનજાગૃતિ અને નિવારણ
જિલ્લામાં મલેરિયા વિરોધી જનજાગૃતિ શિબિરો યોજવામાં આવી હતી. લોકોને પાણીજન્ય રોગો અંગે માહિતી આપવામાં આવી. ઘરની સફાઈ, દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ, અને મચ્છરજન્ય રોગોના અટકાયતી પગલાં વિશે ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યા. પાણી ભરાતા વિસ્તારો અને તળાવોમાં બળેલું ઓઈલ છાંટવામાં આવ્યું હતું. 94 સ્થળોએ ગપ્પી માછલીઓ મૂકીને કુદરતી રીતે મચ્છર નિયંત્રણના પ્રયાસો કરવામાં આવ્યા.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!