દર વર્ષે માર્ગ અકસ્માતોમાં અનેક લોકો જીવ ગુમાવે છે, જેમાં માથામાં થતી ઈજાઓ મૃત્યુનું મુખ્ય કારણ બને છે. આથી, હેલ્મેટ પહેરવા અને અન્ય ટ્રાફિક નિયમોનું પાલન કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

ગાંધીનગર, બુધવાર
ગાંધીનગર ટ્રાફિક પોલીસે છેલ્લા છ મહિનામાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો પાસેથી 2.15 કરોડનો જંગી દંડ વસૂલ્યો છે. જાન્યુઆરી 2025થી 23 જૂન 2025 દરમિયાન કુલ 30,428 ઈ-મેમો જારી કરવામાં આવ્યા છે, જેમાં સૌથી વધુ 14,558 મેમો હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારવામાં આવ્યા છે.
CCTV કેમેરા અને ટેક્નોલોજીનો ઉપયોગ
ગાંધીનગર શહેરના ખૂણેખૂણે લગાવવામાં આવેલા CCTV કેમેરાની મદદથી ટ્રાફિક પોલીસ દ્વારા નિયમ ભંગ કરનારા વાહનચાલકોને શોધી કાઢવામાં આવે છે. નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં બેઠેલી PSI હિના પટેલની ટીમ CCTV ફૂટેજનું મોનિટરિંગ કરીને ઈ-મેમો જનરેટ કરે છે. જિલ્લા પોલીસ વડા રવિતેજા વાસમસેટ્ટીની સૂચના હેઠળ આ કામગીરી સઘન રીતે ચાલી રહી છે. ટ્રાફિક પોલીસ VOC એપ સહિત અન્ય માધ્યમોનો પણ ઉપયોગ કરીને દંડ ફટકારી રહી છે.
કયા નિયમ ભંગ બદલ કેટલા મેમો?
* હેલ્મેટ નહીં પહેરવા બદલ: 14,558 મેમો (કુલ દંડ 72.79 લાખ)
* સીટ બેલ્ટ નહીં પહેરવા બદલ: 5,466 મેમો
* ઓવર સ્પીડિંગ: 3,072 મેમો
* પાર્કિંગ નિયમોનો ભંગ: 2,994 મેમો
* ટુ-વ્હીલર પર એક કરતાં વધુ સવારી: 2,079 મેમો
* ડાર્ક ફિલ્મ: 670 મેમો
* દસ્તાવેજ વિના વાહન હંકારવું: 251 મેમો
* ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી: 249 મેમો
* જોખમી રીતે ફોર-વ્હીલર હંકારવું: 234 મેમો
* ડ્રાઈવર સીટ પર ચાલક સિવાય અન્યને બેસાડવા: 188 મેમો
* જોખમી રીતે ટુ અને થ્રી-વ્હીલર વાહન હાંકવું: 117 મેમો
* ટ્રાફિક સિગ્નલનો ભંગ: 17 મેમો
* વિમા વિના વાહન હાંકવું: 15 મેમો
* લાયસન્સ વિના વાહન હાંકવું: 14 મેમો
* ઝડપી ટ્રેક્ટર હાંકવું: 6 મેમો
અકસ્માતો ઘટાડવા પર ભાર
ઉલ્લેખનીય છે કે દર વર્ષે માર્ગ અકસ્માતોમાં અનેક લોકો જીવ ગુમાવે છે, જેમાં માથામાં થતી ઈજાઓ મૃત્યુનું મુખ્ય કારણ બને છે. આથી, હેલ્મેટ પહેરવા અને અન્ય ટ્રાફિક નિયમોનું પાલન કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. પોલીસનો આ સઘન અભિયાન શહેરના માર્ગોને વધુ સુરક્ષિત બનાવવા અને અકસ્માતો ઘટાડવામાં મદદરૂપ થશે તેવી અપેક્ષા છે.











