પોસ્ટ ઓફિસ મંથલી ઇનકમ સ્કીમ (POMIS)માં એકવાર કરો રોકાણ અને મેળવો ગેરન્ટેડ માસિક આવક મેળવો, જો તમે તમારા જીવનસાથી સાથે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવો છો, તો તમને દર મહિને 9250 જેટલી નિશ્ચિત આવક મળી શકે છે, જે તમારા ઘર ખર્ચ કે અન્ય જરૂરિયાતો પૂરી કરવા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે.

અમદાવાદ, ગુરૂવાર
જો તમે શેરબજારની અસ્થિરતાથી દૂર રહીને ગેરંટેડ અને સુરક્ષિત માસિક આવક મેળવવા માંગો છો, તો પોસ્ટ ઓફિસની માસિક આવક યોજના તમારા માટે ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે. ખાસ કરીને પરિણીત યુગલો માટે, આ સ્કીમ લગ્ન પછી સ્થિર નાણાકીય ભવિષ્ય બનાવવામાં મદદરૂપ થશે.
શું છે પોસ્ટ ઓફિસ મંથલી ઇનકમ સ્કીમ?
ઈન્ડિયા પોસ્ટની વેબસાઈટ મુજબ, POMIS એક સરકારી યોજના છે જેમાં તમે એકવાર રોકાણ કરીને દર મહિને વ્યાજ સ્વરૂપે નિશ્ચિત આવક મેળવી શકો છો. આ યોજનામાં કોઈ જોખમ નથી અને તે ગેરંટેડ રિટર્ન આપે છે.
કોણ ખોલાવી શકે છે એકાઉન્ટ?
કોઈપણ ભારતીય નાગરિક આ યોજનામાં રોકાણ કરી શકે છે. 10 વર્ષથી વધુ ઉંમરના બાળકોના નામે પણ આ એકાઉન્ટ ખોલાવી શકાય છે.
રોકાણની મર્યાદા અને વ્યાજ દર
મિનિમમ રોકાણ: 1000થી એકાઉન્ટ ખોલાવી શકાય છે.
સિંગલ એકાઉન્ટ: વધુમાં વધુ 9 લાખ સુધીનું રોકાણ કરી શકાય છે.
જોઈન્ટ એકાઉન્ટ: વધુમાં વધુ 15 લાખ સુધીનું રોકાણ કરી શકાય છે.
વર્તમાન વ્યાજ દર: હાલમાં 7.4% વાર્ષિક વ્યાજ મળે છે.
પાકતી મુદત: 5 વર્ષ. આ સ્કીમને 5-5 વર્ષ માટે લંબાવી પણ શકાય છે.
આ યોજના કેવી રીતે કામ કરે છે?
POMISમાં જમા કરાયેલા પૈસા પર વાર્ષિક વ્યાજ 12 ભાગમાં વહેંચાઈને દર મહિને તમારા પોસ્ટ ઓફિસ બચત ખાતામાં જમા થાય છે. જો તમે માસિક પૈસા ઉપાડશો નહીં, તો તે તમારા બચત ખાતામાં રહેશે અને મુદ્દલ રકમમાં ઉમેરાશે.
પરિણીત યુગલો કેટલી કમાણી કરી શકે છે?
આ યોજના પરિણીત યુગલો માટે ખાસ ફાયદાકારક છે:
15 લાખના જોઈન્ટ એકાઉન્ટ પર
વાર્ષિક વ્યાજ: 1,11,000
માસિક આવક: લગભગ 9250
9 લાખના સિંગલ એકાઉન્ટ પર
વાર્ષિક વ્યાજ: 66,600
માસિક આવક: લગભગ 5550
જો તમે તમારા જીવનસાથી સાથે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવો છો, તો તમને દર મહિને 9250 જેટલી નિશ્ચિત આવક મળી શકે છે, જે તમારા ઘર ખર્ચ કે અન્ય જરૂરિયાતો પૂરી કરવા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે. આ સ્કીમમાં કોઈ રિસ્ક ન હોવાથી તે તમારા ભવિષ્યને આર્થિક રીતે સુરક્ષિત બનાવવામાં મદદ કરશે. પોસ્ટ ઓફિસની આ સ્કીમ વિશે વધુ જાણવા માટે તમે નજીકની પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ શકો છો.











