2022ની વિધાનસભા ચૂંટણીમાં AAPએ ઉમેશ મકવાણાને બોટાદ બેઠક પરથી ટિકિટ આપી હતી, જ્યાં તેમણે ભાજપના ઘનશ્યામ વિરાણી અને કોંગ્રેસના મનહર પટેલને હરાવી જીત મેળવી હતી.

ગાંધીનગર, ગુરૂવાર
આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા હાલ ‘નરો વા કુંજરો વા’ જેવી સ્થિતિમાં મુકાયા છે. તેમણે દંડકપદ અને રાષ્ટ્રીય જોઇન્ટ સેક્રેટરી પદેથી રાજીનામું આપીને પાર્ટી પર દબાણ વધારવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાનો નિર્ણય તેમણે જનતા પર છોડ્યો છે. આ નિર્ણય સૂચવે છે કે AAP માં કંઈક બરાબર નથી ચાલી રહ્યું.
પછાત સમાજના નેતાઓને ચૂંટણી પૂરતા જ ઉપયોગમાં લેવાય છે: ઉમેશ મકવાણા
ઉમેશ મકવાણાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, “ધારાસભ્યપદેથી રાજીનામાનો નિર્ણય હું જનતાને પૂછીને કરીશ.” તેમણે પછાત સમાજના નેતાઓને માત્ર ચૂંટણી પૂરતા જ ઉપયોગમાં લેવાતા હોવાનો આરોપ લગાવ્યો. મકવાણાએ સ્પષ્ટપણે કહ્યું કે, “પછાત લોકોના મુદ્દા ઉઠાવવામાં દરેક પાર્ટી નિષ્ફળ રહી છે અને દરેક પાર્ટીમાં જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો વધી રહ્યા છે.” તેમણે ગોપાલ ઈટાલિયાના વિસાવદર પેટાચૂંટણીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “ગોપાલ ઇટાલિયા માટે આખી AAP મેદાનમાં ઉતરી હતી, પરંતુ કડીના દલિત ઉમેદવારને એકલો છોડી દેવામાં આવ્યો, કારણ કે તે દલિત સમાજના હતા.”
આગામી સમયમાં પછાત સમાજના આગેવાનો સાથે બેઠક કરશે
ઉમેશ મકવાણાએ વધુમાં જણાવ્યું કે તેઓ ટૂંક સમયમાં પછાત સમાજના આગેવાનો સાથે બેઠક કરશે. આ બેઠકમાં તેઓ AAPના ધારાસભ્ય પદેથી રાજીનામું આપવું કે નહીં, અને જો આપશે તો અપક્ષ લડવું કે નવી પાર્ટી બનાવવી તે અંગે નિર્ણય લેશે.
લાંબા સમયથી પાર્ટીના કાર્યક્રમોથી દૂર
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉમેશ મકવાણા છેલ્લા ઘણા સમયથી AAPના કોઈ કાર્યક્રમોમાં જોવા મળતા નથી. અગાઉ પણ તેમના રાજીનામાની અફવાઓ ઉડી હતી, જેનો તેમણે ત્યારે ઇન્કાર કર્યો હતો. જોકે, વર્તમાન પરિસ્થિતિ જોતા સ્પષ્ટ થાય છે કે પાર્ટીમાં આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે.
ઉમેશ મકવાણાની રાજકીય સફર
2022ની વિધાનસભા ચૂંટણીમાં AAPએ ઉમેશ મકવાણાને બોટાદ બેઠક પરથી ટિકિટ આપી હતી, જ્યાં તેમણે ભાજપના ઘનશ્યામ વિરાણી અને કોંગ્રેસના મનહર પટેલને હરાવી જીત મેળવી હતી. ધારાસભ્ય બન્યા બાદ તેમને ભાવનગર બેઠક પરથી લોકસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા, જોકે તેમાં તેમનો પરાજય થયો હતો. ઉમેશ નારણ મકવાણા એક રાજકારણી અને સામાજિક કાર્યકર છે, જેઓ 8 ડિસેમ્બર 2022થી બોટાદ વિધાનસભા મતવિસ્તારમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે.
વિવાદો સાથે પણ જોડાયેલું છે નામ
ઉમેશ મકવાણાનું નામ વિવાદો સાથે પણ જોડાયેલું રહ્યું છે. બોટાદમાં દારૂના ધંધાર્થી પર સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી દરમિયાન, તેમણે પોતાની પાર્ટીના સભ્ય શૌકત સૈયદ મૌલાનાને એટ્રોસિટી એક્ટ જેવા ગુનામાં છોડાવવા બોટાદ SPને ફોન પર ધમકી આપી હોવાનો આરોપ ખુદ વિધાનસભામાં મંત્રી જગદીશ વિશ્વકર્માએ લગાવ્યો હતો. જોકે, મકવાણાએ ત્યારે આ વાત ખોટી સાબિત થાય તો ધારાસભ્યપદેથી રાજીનામું આપવાની ધમકી આપી હતી. આ ઉપરાંત, તેમના પૂર્વ PA અજય જમોડે લોકસભા ચૂંટણી દરમિયાન ખર્ચ કરેલા 13 લાખ પાછા ન આપવા અને ધમકી આપવા બદલ ઉમેશ મકવાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.











