જુલાઈના પહેલા સપ્તાહ સુધી ભારે પવન અને વરસાદની અસર : નદીઓના કાંઠે વસવાટ કરતા લોકો માટે ખાસ ચેતવણી

અમદાવાદ, ગુરુવાર : ગુજરાતમાં મેઘરાજાએ મેઘતાંડવ શરૂ કરી દીધું છે અને આગામી દિવસોમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. હવામાન વિભાગ, અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ રાજ્યના અનેક જિલ્લાઓમાં 26 જૂનથી 1 જુલાઈ વચ્ચે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. સુરત, નવસારી, વલસાડ, નર્મદા, ભરૂચ, દાહોદ, મહીસાગર, દમણ અને દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે.
નર્મદા, તાપી અને સાબરમતી જેવી નદીઓમાં ઘોડાપૂરની શક્યતા છે. હવામાન નિષ્ણાતો મુજબ જુલાઈના પહેલા અઠવાડિયા સુધી વરસાદની તીવ્રતા યથાવત રહેશે. સરકારી તંત્ર અને નાગરિકો માટે આ ચેતવણી વધુ સતર્ક રહેવા માટેનું સંકેત છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ભારે વરસાદ સાથે મેઘતાંડવની આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં 1 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડશે. બનાસકાંઠા, સાબરકાંઠામાં હળવાથી મધ્યમ ઝાપટાં પડી શકે છે. સૌરાષ્ટ્રમાં વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો જોવા મળી શકે પરંતુ દરિયાકાંઠાના વિસ્તારમાં મધ્યમ વરસાદ જોવા મળી શકે છે.











