‘કાંટા લગા’ ફેમ શેફાલી જરીવાલાનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન, ચાહકોમાં શોકનો માહોલ

શેફાલી જરીવાલાએ અભિનેતા પરાગ ત્યાગી સાથે લગ્ન કર્યા હતા. તેમનું દાંપત્યજીવન સુમેળભર્યું ચાલી રહ્યું હતું. શેફાલી સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહેતા હતા અને તેમના ફેન્સ સાથે જોડાયેલા રહેતા હતા.

મુંબઈ, શનિવાર
પોપ્યુલર સોંગ ‘કાંટા લગા’થી દેશભરમાં ખ્યાતિ મેળવનાર અભિનેત્રી અને ડાન્સર શેફાલી જરીવાલાનું 42 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટથી નિધન થયું છે. તેમના અકાળ અવસાનથી ફિલ્મ અને ટેલિવિઝન જગતમાં તેમજ તેમના ચાહકોમાં શોકની લાગણી પ્રવર્તી છે.

ગઈકાલે રાત્રે શેફાલીને છાતીમાં દુખાવાની ફરિયાદ સાથે મુંબઈની એક હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમનું નિધન થઈ ગયું હોવાનું ફરજ પરના ડોકટરોએ જણાવ્યું હતું. ડોકટરોના મતે, હૃદયરોગના હુમલાને કારણે તેમનું અવસાન થયું છે. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે અને PM બાદ પરિવારજનોને સોંપવામાં આવશે.

કાંટા લગાથી કારકિર્દીની શરૂઆત અને બિગ બોસ 13માં પુનરાગમન
શેફાલી જરીવાલાનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત 2002માં રિલીઝ થયેલા મ્યુઝિક વિડીયો ‘કાંટા લગા’ થી કરી હતી. આ ગીતે ત્યારે ભારે ધૂમ મચાવી હતી અને શેફાલીને ‘કાંટા લગા ગર્લ’ તરીકે ઓળખ મળી હતી. આ ગીત લાંબા સમય સુધી ચર્ચામાં અને વિવાદમાં પણ રહ્યું હતું.

મ્યુઝિક વિડીયો ઉપરાંત, શેફાલી 2004માં આવેલી સલમાન ખાન અને અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘મુજસે શાદી કરોગી’ માં પણ જોવા મળ્યા હતા. લાંબા સમય બાદ તેમણે લોકપ્રિય રિયાલિટી શો ‘બિગ બોસ 13’ માં વાઇલ્ડકાર્ડ એન્ટ્રી તરીકે ભાગ લીધો હતો, ત્યારે તેમના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બિગ બોસમાં તેમની ઉપસ્થિતિએ ફરી એકવાર તેમને લાઇમલાઇટમાં લાવી દીધા હતા.

અભિનેતા પરાગ ત્યાગી સાથે લગ્ન
શેફાલી જરીવાલાએ અભિનેતા પરાગ ત્યાગી સાથે લગ્ન કર્યા હતા. તેમનું દાંપત્યજીવન સુમેળભર્યું ચાલી રહ્યું હતું. શેફાલી સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહેતા હતા અને તેમના ફેન્સ સાથે જોડાયેલા રહેતા હતા. તેમના અકાળ અવસાનથી બોલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીના તેમના મિત્રો અને સહકર્મીઓએ પણ શોક વ્યક્ત કર્યો છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!