ઉત્તરાખંડમાં મુશળધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી.

ઉત્તરાખંડ, શનિવાર
દેશના અનેક રાજ્યોમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે, ખાસ કરીને ઉત્તર ભારતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. દેવભૂમિ ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદે તબાહી મચાવી છે. રુદ્રપ્રયાગમાં થયેલા બસ અકસ્માતનો કાટમાળ હજુ સુધી મળી શક્યો નથી, જેના કારણે ગુમ થયેલા આઠ લોકો અને બસને શોધવામાં મુશ્કેલી પડી રહી છે. નદીના કાદવવાળા પાણીમાં ડાઈવર્સને કંઈ દેખાતું ન હોવાથી રેસ્ક્યુ ઓપરેશન ધીમું પડ્યું છે.
આ દરમિયાન ચમોલી પોલીસે મહત્વની જાણકારી આપી છે કે બદ્રીનાથ નેશનલ હાઈવે નંદપ્રયાગ અને ભાનેરપાણી નજીક બંધ કરી દેવામાં આવ્યો છે. આ કારણે ચારધામ યાત્રાએ જઈ રહેલા શ્રદ્ધાળુઓને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
4 દિવસ સુધી અતિભારે વરસાદનું એલર્ટ
હવામાન વિભાગે ઉત્તરાખંડના વિવિધ જિલ્લાઓમાં આગામી ચાર દિવસ સુધી સતત ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન કેન્દ્ર, દેહરાદૂનના ડાયરેક્ટર વિક્રમ સિંહે જણાવ્યું કે ચમોલી, રુદ્રપ્રયાગ, ટિહરી, પૌરી, ચંપાવત અને પિથોરાગઢ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ વરસાદ આગામી 3-4 દિવસ સુધી ચાલુ રહેશે. નૈનીતાલના કેટલાક વિસ્તારોમાં તો ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
ચારધામ યાત્રાળુઓ માટે ખાસ સૂચના
હવામાન વિભાગ અનુસાર, દેહરાદૂન, રુદ્રપ્રયાગ, બાગેશ્વર અને પિથોરાગઢમાં પણ અતિભારે વરસાદ પડી શકે છે. પહાડી વિસ્તારોમાં પાણી ભરાવા અને ભૂસ્ખલન (landslide) નો ખતરો પણ છે. આથી, ચારધામ યાત્રાળુઓને અત્યંત સાવધાની રાખવા અને જરૂરી ન હોય તો પ્રવાસ ટાળવા માટે અપીલ કરવામાં આવી છે.
આ વર્ષે ચોમાસું સામાન્ય સમય કરતાં વહેલું, એટલે કે 21 જૂને ઉત્તરાખંડ પહોંચ્યું હતું. કુમાઉ થઈને રાજ્યમાં પ્રવેશેલું ચોમાસું હવે આખા રાજ્યમાં ફેલાઈ ગયું છે. હરિદ્વારના કેટલાક વિસ્તારોને બાદ કરતાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે આ વર્ષે 10 થી 15 ટકા વધુ વરસાદ પડી શકે છે.
હિમાચલ સહિત 14 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
ઉત્તરાખંડ ઉપરાંત, હિમાચલ પ્રદેશમાં પણ વરસાદે તબાહી મચાવી છે. બુધવારે ભારે વરસાદને કારણે હિમાચલના કાંગડામાં અચાનક પૂર આવ્યું હતું, જેમાં અનેક લોકો ફસાઈ ગયા હતા. અત્યાર સુધીમાં છ મૃતદેહો મળી આવ્યા છે અને શોધખોળ ચાલુ છે. કુલ્લુ જિલ્લાના રેહાલા બિહાલમાં વાદળ ફાટવાથી ગુમ થયેલા ત્રણ લોકોની પણ શોધખોળ ચાલી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ સહિત દેશના કુલ 14 રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે.











