અમદાવાદ જગન્નાથ રથયાત્રા: ભવ્ય સમાપન, ભગવાને ગર્ભગૃહમાં લીધું સ્થાન!

આજે વહેલી સવારે જગન્નાથ મંદિરના પ્રાંગણમાં રથમાં બિરાજમાન ભગવાન જગન્નાથજીની ભક્તો દ્વારા નજર ઉતારવામાં આવી હતી. ત્યારબાદ ભાવભેર આરતી ઉતારી, વાજતે-ગાજતે અને જયઘોષ સાથે ભગવાનને તેમના ગર્ભગૃહમાં ગૃહપ્રવેશ કરાવવામાં આવ્યો હતો.

અમદાવાદ, શનિવાર
સુપ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાનું ગતરોજ ભવ્યતાપૂર્વક સમાપન થયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે નગરચર્યાએ નીકળ્યા હતા. શનિવારે સવારે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ અને શુભ મુહૂર્તમાં ભગવાનને તેમના ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા, જેના પગલે રથયાત્રાના ઉત્સવનું વિધિવત રીતે સમાપન થયું.

ભગવાનનો રાતવાસો મંદિર બહાર
રથયાત્રા પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના રથ આખી રાત મંદિરના પ્રાંગણમાં રાખવામાં આવ્યા હતા. આ પાછળ એક રસપ્રદ લોકવાયકા જોડાયેલી છે. કહેવાય છે કે ભગવાન જગન્નાથજી કહ્યા વગર નગરચર્યાએ નીકળી પડતા રુકમણીજી નારાજ થયા હતા. તેમની નારાજગીને કારણે ભગવાનને આખી રાત મંદિરમાં પ્રવેશ મળ્યો નહોતો અને તેમને મંદિર બહાર જ રાતવાસો કરવો પડ્યો હતો. આ પરંપરાને પગલે જ, રથયાત્રા પૂર્ણ થયા બાદ બીજા દિવસે સવારે વિધિવત રીતે ભગવાનને મંદિરમાં બિરાજમાન કરવામાં આવે છે.

નજર ઉતારવાની વિધિ અને ગૃહપ્રવેશ
આજે વહેલી સવારે જગન્નાથ મંદિરના પ્રાંગણમાં રથમાં બિરાજમાન ભગવાન જગન્નાથજીની ભક્તો દ્વારા નજર ઉતારવામાં આવી હતી. ત્યારબાદ ભાવભેર આરતી ઉતારી, વાજતે-ગાજતે અને જયઘોષ સાથે ભગવાનને તેમના ગર્ભગૃહમાં ગૃહપ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ પળો ભાવિકો માટે અત્યંત આહ્લાદક અને ભક્તિમય બની રહી હતી.

ગજરાજનો મિજાજ અને ટેક્નિકલ ખામી
ગતરોજની રથયાત્રા દરમિયાન કેટલાક પડકારો પણ સામે આવ્યા હતા. રથયાત્રામાં સામેલ ગજરાજનો મિજાજ બગડતા ક્ષણિક સમય માટે નાસભાગ મચી હતી. જોકે, તંત્ર, મહાવતો અને વન વિભાગના અધિકારીઓના સમયસરના પ્રયાસોથી ગજરાજને કાબૂમાં લઈ લેવાતા મોટી દુર્ઘટના ટળી હતી. આ ઉપરાંત, ભાઈ બલભદ્રના રથમાં ટેક્નિકલ ખામી સર્જાતા આ વખતે સૌપ્રથમવાર બહેન સુભદ્રાજી તેમના મોસાળ સરસપુરમાં વહેલા પહોંચ્યા હતા. જોકે, ભગવાન જગન્નાથજીની કૃપાથી એકંદરે રથયાત્રાની ભવ્ય ઉજવણી સંપન્ન થઈ હતી. આજે ભગવાનના ગૃહપ્રવેશ સાથે આ ભવ્ય પર્વનું વિધિવત સમાપન થયું છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!