દહેગામ: ગેરકાયદેસર રેત ખનન સામે ગ્રામજનોનો વિરોધ, આંદોલનની ચીમકી છતાં તંત્ર નિષ્ક્રિય

મેશ્વો નદીમાં બેફામ ચાલતી રેતી ચોરી અને તંત્રની ઉદાસીનતાથી ગ્રામજનોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. જો સરકાર દ્વારા આ બાબતે તાત્કાલિક અને કડક પગલાં લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનવાની શક્યતા છે.

દહેગામ, શનિવાર
દહેગામ તાલુકાના નાગજીના મુવાડા, મોટાના મુવાડા અને વેજાણા ગામોમાં મેશ્વો નદીમાં ચાલતી બેફામ ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિ સામે ગ્રામજનોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. સરકારે ફાળવેલી લીઝના માપદંડોનો ભંગ અને રાત્રિના સમયે પણ ખનીજ માફિયાઓ દ્વારા થતી રેતી ચોરીથી ત્રસ્ત ગ્રામજનોએ અનોખો વિરોધ નોંધાવ્યો છે, જેમાં ગૌચરમાંથી ગેરકાયદેસર બનાવેલા રસ્તામાં ઝાડ પાડીને પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો છે.

ગેરકાયદેસર ખનનની હદ વટાવી
ગ્રામજનોના જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા નાગજીના મુવાડા ગામે ફાળવવામાં આવેલી લીઝના ધારકો નક્કી કરેલા માપ કરતાં વધુ અને નદીમાં ઊંડાણ સુધી રેતીનું ખનન કરી રહ્યા છે. આ ઉપરાંત, રાત્રિના સમયે પણ અન્ય ખનીજ માફિયાઓ બેરોકટોક રેતી ચોરી કરી રહ્યા છે, જેના કારણે નદીના ઇકોસિસ્ટમ પર ગંભીર અસર પડી રહી છે.

ચૂંટણી બહિષ્કાર અને તંત્રની ઉદાસીનતા
ગત 5મી તારીખે ગ્રામજનોએ રેત ખનન અટકાવવા, પોતાના ગામને રેવન્યુ વિલેજનો દરજ્જો આપવા અને કાયમી તલાટીની નિમણૂક કરવા જેવી માંગણીઓ સાથે આવેદનપત્ર સુપરત કર્યું હતું. જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. આશ્ચર્યજનક રીતે, આ સમસ્યાના નિરાકરણ ન આવતા, ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એક પણ ઉમેદવારી નોંધાઈ ન હતી. આટલું બધું થયા પછી પણ, તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી, જેનાથી ખનીજ માફિયાઓ વધુ બેફામ બન્યા છે.

ગૌચરના રસ્તા પર ઝાડ પાડી વિરોધ
ત્રણ દિવસ અગાઉ, ગ્રામજનોએ નદીમાં જવા માટે ગૌચરમાં ગેરકાયદેસર રીતે બનાવેલા રસ્તામાં ઝાડ કાપીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે ગ્રામજનો હવે તંત્રની નિષ્ક્રિયતાથી કંટાળી ગયા છે અને કાયદો હાથમાં લેવાની ફરજ પડી રહી છે. ગ્રામજનો શંકા વ્યક્ત કરી રહ્યા છે કે ખનીજ માફિયાઓ અને સરકારી તંત્ર વચ્ચે કોઈ સાંઠગાંઠ ચાલી રહી છે, જેના કારણે તેમની સમસ્યાઓ પ્રત્યે આંખ મિંચાણા કરવામાં આવી રહ્યા છે.

મેશ્વો નદીમાં બેફામ ચાલતી રેતી ચોરી અને તંત્રની ઉદાસીનતાથી ગ્રામજનોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. જો સરકાર દ્વારા આ બાબતે તાત્કાલિક અને કડક પગલાં લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનવાની શક્યતા છે. શું તંત્ર ગ્રામજનોની વ્યથા સાંભળીને કોઈ નક્કર કાર્યવાહી કરશે કે પછી ખનીજ માફિયાઓનો દબદબો યથાવત રહેશે?

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!