આ નવનિર્મિત કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલી તમામ આરોગ્ય વિષયક સેવાઓનું એક જ છત્ર હેઠળ મોનિટરિંગ અને સર્વગ્રાહી સમીક્ષા કરવાનો છે.

ગાંધીનગર, મંગળવાર
ગુજરાતના નાગરિકો માટે સ્વાસ્થ્ય સેવાઓને વધુ સુદૃઢ અને સુલભ બનાવવાના ભાગરૂપે ગાંધીનગરમાં એક અદ્યતન આરોગ્ય સમીક્ષા કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે. આગામી 5મી જુલાઈએ રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે આ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવશે. આ પહેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ જનસુખાકારી વધારવાના સરકારના પ્રયાસોનો એક ભાગ છે.
આરોગ્ય સમીક્ષા કેન્દ્રનો ઉદ્દેશ્ય
આ નવનિર્મિત કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલી તમામ આરોગ્ય વિષયક સેવાઓનું એક જ છત્ર હેઠળ મોનિટરિંગ અને સર્વગ્રાહી સમીક્ષા કરવાનો છે. આ કેન્દ્ર આરોગ્ય વિભાગની વિવિધ શાખાઓ દ્વારા અમલીકૃત કાર્યક્રમો અને સેવાઓના નિયમિત ફોલો-અપ, લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટેની સમીક્ષા, અને જિલ્લાવાર સેવાઓથી વંચિત રહેલા લાભાર્થીઓ સુધી પહોંચવા માટે ત્વરિત ફીડબેક આપવા માટે એક અસરકારક માળખું પૂરું પાડશે.
કેન્દ્રની મુખ્ય કામગીરી અને સુવિધાઓ
સંકલિત મોનિટરિંગ: તમામ આરોગ્યલક્ષી કાર્યક્રમો અને યોજનાઓના ડેટાબેઝ ડેશબોર્ડને સંકલિત કરીને એક જ કેન્દ્રથી મોનિટર કરી શકાશે, જેથી કાર્યક્રમોનો અસરકારક અને પરિણામલક્ષી અમલ સુનિશ્ચિત થશે.
ત્વરિત સંવાદ અને સુધારો: જિલ્લા અધિકારીઓ અને કર્મચારીઓને ત્વરિત ફીડબેક આપીને આરોગ્ય સેવાઓના અમલીકરણમાં રહેલી ખામીઓને ઓળખી ઝડપથી સુધારા કરી શકાશે. આ માટે ઓડિયો-વિઝ્યુઅલ વ્યવસ્થા અને લાભાર્થીઓના ડિજિટલ ડેટા સાથેનું સ્ટેટ-ઓફ-ધ-આર્ટ માળખું ઉપલબ્ધ છે.
કટોકટી વ્યવસ્થાપન: કુદરતી આપત્તિઓ, રોગચાળાઓ જેવી કટોકટીની પરિસ્થિતિઓમાં રાજ્યના તમામ જિલ્લાઓને રાજ્ય કક્ષાએથી ઉચ્ચ અધિકારીઓ અને તજજ્ઞો દ્વારા ઓડિયો-વિઝ્યુઅલ્સ થકી પરામર્શ કરીને નીતિવિષયક નિર્ણયો અને ત્વરિત અમલીકરણ કરાવવામાં મદદ મળશે.
અદ્યતન કોલ સેન્ટર: કેન્દ્રમાં 100 પ્રશિક્ષિત કોલ-ટેકર્સ દ્વારા આરોગ્ય વિભાગની યોજનાઓના લાભાર્થીઓને સલાહ, સૂચન અને માર્ગદર્શન આપવા માટે અદ્યતન કોલ સેન્ટરની વ્યવસ્થા છે. આ કોલ સેન્ટર EMRI GHS દ્વારા ડિઝાઇન અને અમલીકૃત કરાયેલ વિશિષ્ટ CAD કોલ સેન્ટર એપ્લિકેશન નો ઉપયોગ કરશે, જે સુરક્ષિત ડેટા મેનેજમેન્ટ અને સ્ટોરેજ સુનિશ્ચિત કરશે.

હેલ્પલાઇન સેવાઓ: નાગરિકોને ઘરે બેઠા આરોગ્યલક્ષી યોજનાઓની માહિતી અને સ્વાસ્થ્ય સંબંધી સલાહ માટે હેલ્થ હેલ્પલાઇન નંબર 104 કાર્યરત કરવામાં આવ્યો છે, અને PMJAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે.
આવરી લેવાયેલી મુખ્ય આરોગ્ય સેવાઓ
આ કેન્દ્ર દ્વારા અનેક મહત્ત્વની આરોગ્ય સેવાઓનું મોનિટરિંગ અને સમીક્ષા કરવામાં આવશે, જેમાં માતા આરોગ્ય, બાળ આરોગ્ય, ટીબી સારવાર, રસીકરણ કાર્યક્રમો, PMJAY-મા યોજના અને 104 હેલ્થ હેલ્પલાઇન હેઠળની નોન-ઇમરજન્સી સેવાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, દર્દીઓને ઘરે બેઠા ટેલિમેડિકલ એડવાઇસ, કાઉન્સેલિંગ, ઇ-પ્રિસ્ક્રિપ્શન અને આયુષ સૂચનો જેવી સુવિધાઓ પણ મળશે.

આરોગ્ય સમીક્ષા કેન્દ્રના ફાયદા
* આરોગ્ય કાર્યક્રમોનો સંકલિત ફોલો-અપ અને લક્ષ્યાંક સિદ્ધિ.
* આરોગ્યલક્ષી કાર્યક્રમોની સમીક્ષા માટે સંકલિત ડિજિટલ ડેટાબેઝ અને ડેશબોર્ડ.
* દૂરના વિસ્તારોના વંચિત લાભાર્થીઓ સુધી સીધો સંપર્ક કરી સેવાઓ સાથે જોડવાની કોલ-સેન્ટર આધારિત વ્યવસ્થા.
* જિલ્લા કક્ષાએ અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરીનું રીયલટાઇમ મૂલ્યાંકન અને દિશાનિર્દેશ.
* આરોગ્ય સમીક્ષા કેન્દ્ર ગુજરાતના આરોગ્ય ક્ષેત્રે એક માઈલસ્ટોન સાબિત થશે, જે નાગરિકોને વધુ સુવિધાયુક્ત અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં મદદ કરશે.











