માણસા PSI વિરુદ્ધ નગરપાલિકાના કોર્પોરેટરોનો આક્રોશ: ‘લુખ્ખા’ કહ્યાનો આક્ષેપ!

આ ઘટના બાદ નગરપાલિકાના સભ્યો દ્વારા ઉચ્ચ અધિકારીઓ, ખાસ કરીને SP ને રજૂઆત કરવાની વાત કરવામાં આવતા, PSI મુધવાએ કથિત રીતે ધમકી આપી હતી કે “તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ, મારું કશું બગાડી નહીં શકો.”


માણસા, ગુરૂવાર
માણસા શહેરમાં પોલીસ અને નગરપાલિકાના પ્રતિનિધિઓ વચ્ચેના તણાવનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. થોડા દિવસો પહેલા કાર દ્વારા નગરપાલિકાના વીજ પોલને નુકસાન પહોંચાડવા અંગેની ફરિયાદમાં સાક્ષી તરીકે જુબાની આપવા ગયેલા નગરપાલિકાના સભ્યો સાથે માણસા પોલીસ સ્ટેશનના PSI એસ.વી. મુધવાએ ઉદ્ધત વર્તન કર્યાનો અને અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યાનો આક્ષેપ થયો છે.

શું છે સમગ્ર ઘટના?
પ્રાપ્ત માહિતી અનુસાર, થોડા સમય પહેલા એક કાર ચાલકે નગરપાલિકાના વીજ પોલને ટક્કર મારી નુકસાન પહોંચાડ્યું હતું. આ મામલે માણસા નગરપાલિકા દ્વારા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરવામાં આવી હતી. આ અરજી સંબંધે સાક્ષીઓની જુબાની લેવા માટે આજે માણસા બજારમાં આવેલી પોલીસ ચોકી ખાતે નગરપાલિકાના સભ્યો દિગ્વિજયસિંહ, પરેશ વ્યાસ અને એમ.ડી. પટેલ સાક્ષી સાથે ગયા હતા. જ્યારે તેઓ નિવેદન લખાવી રહ્યા હતા, ત્યારે PSI એસ.વી. મુધવા ત્યાં આવ્યા અને તેમણે નગરપાલિકાના સભ્યો સાથે અશોભનીય વ્યવહાર કર્યો.

‘લુખ્ખા’ કહીને અપમાનિત કર્યાનો આરોપ
આક્ષેપ મુજબ, PSI મુધવાએ નગરપાલિકાના સભ્યોને “તમે ખુરશીમાં કેમ બેઠા? આવા લુખ્ખા તત્વોને ખુરશી ઉપર બેસવા દેવાય નહીં” તેમ કહી અપમાનિત કર્યા હતા. એટલું જ નહીં, તેમને પોલીસ ચોકીની બહાર કાઢી મૂકવામાં આવતા ત્યાં હોબાળો મચી ગયો હતો.

SPને રજૂઆત કરવાની વાત પર PSIની ધમકી?
આ ઘટના બાદ નગરપાલિકાના સભ્યો દ્વારા ઉચ્ચ અધિકારીઓ, ખાસ કરીને SP ને રજૂઆત કરવાની વાત કરવામાં આવતા, PSI મુધવાએ કથિત રીતે ધમકી આપી હતી કે “તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ, મારું કશું બગાડી નહીં શકો.”

ટોક ઑફ ધ ટાઉન બન્યો મામલો
આ સમગ્ર ઘટનાક્રમ આજે માણસા શહેરમાં ટોક ઑફ ધ ટાઉન બન્યો છે. પોલીસ અધિકારી દ્વારા નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે આ પ્રકારના વર્તનથી શહેરમાં ચકચાર મચી છે અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હવે જોવું રહ્યું કે આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે અને નગરપાલિકાના સભ્યો દ્વારા SP ને રજૂઆત બાદ કોઈ પગલાં લેવાય છે કે કેમ.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!