પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને આ ગઠિયાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. શહેરીજનોને આવા ઠગોથી સાવચેત રહેવા અને અજાણ્યા વ્યક્તિઓની વાતોમાં ન આવવા અપીલ કરવામાં આવી છે.

ગાંધીનગર, શનિવાર
ગાંધીનગર શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી વાસણ ચમકાવવાના બહાને સોનાના દાગીના ઉઠાવી જતી એક ગેંગ સક્રિય થઈ છે. બાઇક પર આવતા ત્રણ ગઠિયાઓએ સેક્ટર 12, સેક્ટર 7C અને સેક્ટર 14 માં ત્રણ મહિલાઓને નિશાન બનાવી કુલ 68 ગ્રામ (લગભગ 7 તોલા) સોનું, જેની કિંમત આશરે 4.56 લાખ રૂપિયા છે, તેની ચોરી કરી લીધી છે. આ ઘટનાઓને પગલે સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
કેવી રીતે આપ્યો ઘટનાને અંજામ?
ગત 30 જૂન, 1 જુલાઈ અને 2 જુલાઈના રોજ સવારના સમયે આ ગઠિયાઓ માર્કેટમાં નવી ‘પ્રોડક્ટ’ આવી હોવાનું કહીને મહિલાઓને ડેમો બતાવતા હતા. તેઓ વાસણ ચમકાવવાનો પાવડર કે લિક્વિડ વેચવાનું કહીને ઘરમાં પડેલા જૂના વાસણોને નવા જેવા ચમકાવી આપતા હતા. આ રીતે મહિલાઓનો વિશ્વાસ જીત્યા બાદ, તેઓ તેમને હાથમાં પહેરેલા સોનાના દાગીના પણ ચમકાવવા માટે આપવાનું કહેતા હતા. એકવાર દાગીના હાથમાં લીધા પછી, તેઓ તેને એક પ્રવાહીમાં નાખીને ધોતા અને પછી 15 થી 30 મિનિટ સુધી સુકવવા દેવાનું કહીને ત્યાંથી રફુચક્કર થઈ જતા. જ્યારે મહિલાઓ દાગીનાને હાથમાં લેતી ત્યારે તેનું વજન ઓછું થયેલું જણાતું હતું.
પહેલો બનાવ
30 જૂનના રોજ સવારે 11:35 વાગ્યે, સેક્ટર-12, પ્લોટ નં. 480-2 માં રહેતા નસીમબાનુ ફિરોજશા દિવાનના ઘરે આ ગઠિયાઓ પહોંચ્યા હતા. પોતાને “વિમ વોશિંગ પાવડર” ના સેલ્સમેન ગણાવી, તેઓએ વાસણ ઘસવાથી નવા થઈ જશે તેમ કહીને એક તાંબાના લોટાને ચમકાવી બતાવ્યો. નસીમબાનુએ વિશ્વાસ રાખીને હાથમાં પહેરેલી 30 ગ્રામની બંગડીઓ તેમને ચમકાવવા માટે આપી. ગઠિયાઓએ બંગડીઓને એક પ્રવાહીમાં નાખી અને પછી 15 મિનિટ સુકવવા દઈને ભાગી ગયા. ત્યારબાદ નસીમબાનુએ જોયું તો 30 ગ્રામની બંગડીમાંથી 20 ગ્રામ સોનું ગાયબ થઈ ગયું હતું, જેની કિંમત આશરે 1.60 લાખ રૂપિયા હતી.
બીજો બનાવ
બીજા દિવસે, 1 જુલાઈના રોજ બપોરે આશરે 12:30 વાગ્યે, આ જ ગઠિયાઓએ સેક્ટર 7C માં રહેતા બિપિનભાઈ મણિલાલ પટેલના ઘરે વૃદ્ધાને નિશાન બનાવી. તેમણે પણ “વિમ લિક્વિડ” કંપનીના સેલ્સમેન હોવાનું જણાવીને વાસણ ચમકાવવાની વાત કરી. એક તાંબાનો લોટો અને ચાંદીની ગણપતિની મૂર્તિ ચમકાવ્યા બાદ, વૃદ્ધાએ હાથમાં પહેરેલી 49.5 ગ્રામ વજનની બે સોનાની બંગડીઓ ચમકાવવા માટે આપી. પ્રવાહીમાં ધોયા બાદ અને 15 મિનિટ સુકવવા દીધા પછી, જ્યારે વૃદ્ધાએ બંગડીઓ હાથમાં લીધી ત્યારે તેમાંથી 29.3 ગ્રામ સોનું ઓછું થઈ ગયું હતું, જેની કિંમત આશરે 2.70 લાખ રૂપિયા હતી.
ત્રીજો બનાવ
આ ઠગાઈનો સિલસિલો 2 જુલાઈના રોજ પણ ચાલુ રહ્યો. સવારે 11 વાગ્યે, શહેરના સેક્ટર-14, પ્લોટ નંબર 168-1 માં રહેતા મનુભાઈ સોમાભાઈ વાળંદના ઘરે ત્રણ ગઠિયા પહોંચ્યા. તેમણે પણ “રીમ વોશિંગ પાવડર” કંપનીના સેલ્સમેન હોવાનું કહીને લોટાનો ડેમો બતાવ્યો અને મહિલાનો વિશ્વાસ જીત્યો. મહિલાએ હાથમાં પહેરેલી બંગડીઓ ધોવા માટે આપી. ગઠિયાઓએ પીળા કલરના લિક્વિડમાં બંગડીઓ નાખી અને હલાવીને પછી 15 મિનિટ સુકવવા દેવાનું કહીને ત્યાંથી ભાગી ગયા. મહિલાએ જોયું તો બંગડીઓમાંથી 18 ગ્રામ વજન ઓછું થઈ ગયું હતું.











