આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે, અને લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

અમદાવાદ, સોમવાર
ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળશે. હવામાન વિભાગે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેને પગલે માછીમારોને 5 દિવસ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, હાલમાં વાતાવરણમાં 3 સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે.
વિસ્તૃત આગાહી: ક્યાં ક્યાં થશે મેઘમહેર?
ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાત: આ વિસ્તારોમાં આગામી 3 દિવસ અત્યંત ભારે વરસાદની શક્યતા છે.
સૌરાષ્ટ્ર-કચ્છ: આગામી 48 કલાક (2 દિવસ) અત્યંત ભારે વરસાદની સંભાવના છે.
જુલાઈ 07
નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, સુરત, તાપી, અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, વડોદરા, આણંદ, રાજકોટ, જૂનાગઢ, જામનગર, કચ્છ, ગીર સોમનાથ, પોરબંદર સહિત અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
જુલાઈ 08 અને 09
દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. ગાંધીનગર, અમદાવાદ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, વડોદરા, કચ્છ સહિત અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી છે.
જુલાઈ 10
બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, પાટણ, મહેસાણા, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી, પોરબંદર, ગીર સોમનાથ સહિત અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
જુલાઈ 11
બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, તાપી, નવસારી, ડાંગ, અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. સુરત, નર્મદા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, પાટણ, મહેસાણા, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી, પોરબંદર, ગીર સોમનાથ સહિત અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી છે.
જુલાઈ 12
12 જુલાઈથી મેઘરાજાનું જોર ઘટશે તેવી શક્યતાઓ છે. આ દિવસે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
દરિયાકાંઠે પવન અને માછીમારો માટે ચેતવણી
હવામાન વિભાગે જણાવ્યું છે કે દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ જોખમને ધ્યાનમાં રાખીને, માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.











