મુખ્યમંત્રીએ સહકારી બેંકોના અધ્યક્ષો અને રાજ્ય સરકારના સંબંધિત અધિકારીઓ વચ્ચે આ પ્રકારની સમીક્ષા બેઠક ગ્રામ વિકાસ મંત્રી કક્ષાએ દર 3 માસે નિયમિતપણે યોજાય તેવું સૂચન પણ કર્યું હતું.

ગાંધીનગર, મંગળવાર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે રાજ્યના મંત્રીઓ, સહકારી બેંકોના અધ્યક્ષો, ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની (GLPC) અને મહિલા-બાળ વિકાસ, ગ્રામ વિકાસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન (NRLM) અંતર્ગત લોન સહાય કામગીરીની સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં ગ્રામીણ સ્વ-સહાય જૂથો – સખી મંડળોને લોન-ધિરાણ આપવાની પ્રક્રિયાને વધુ સરળ અને ઝડપી બનાવવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સ્વ-સહાય જૂથોની બહેનોને આત્મનિર્ભર બનાવવાનો નિર્ધાર આવા વધુને વધુ લોન-ધિરાણથી જ પાર પાડી શકાશે. તેમણે સહકારી બેંકોને ગ્રામીણ માતૃશક્તિ પ્રત્યે સંવેદનશીલ બનીને લોન-ધિરાણ માટે જિલ્લા સ્તરે કેમ્પ આયોજન કરવા અને બહેનોને લોન-ધિરાણ મેળવવાની સમજ આપી યોગ્ય તાલીમ માટે વર્કશોપ અને કેમ્પ ક્લસ્ટર લેવલે યોજવા માટે દિશાનિર્દેશ આપ્યા હતા.
આ ઉપરાંત, મુખ્યમંત્રીએ સહકારી બેંકોના અધ્યક્ષો અને રાજ્ય સરકારના સંબંધિત અધિકારીઓ વચ્ચે આ પ્રકારની સમીક્ષા બેઠક ગ્રામ વિકાસ મંત્રી કક્ષાએ દર 3 માસે નિયમિતપણે યોજાય તેવું સૂચન પણ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ખેતી, ઉત્પાદન અને વેપાર તેમજ અન્ય આજીવિકા સાથે જોડાયેલા કુલ 2.84 લાખ ગ્રામીણ સ્વ-સહાય જૂથો કાર્યરત છે. NRLM અંતર્ગત 2025-26ના આ વર્ષમાં 88,200 સ્વ-સહાય જૂથોને લોન ધિરાણનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જેની સામે અત્યાર સુધીમાં 13 હજારથી વધુ જૂથોને ધિરાણ આપવામાં આવેલ છે. આ બેઠક સખી મંડળોને આત્મનિર્ભર બનાવીને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.











