હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસમાં ભારે વરસાદની કરી આગાહી

ગુજરાતમાં હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી કરી છે.

ગાંધીનગર,ગુરૂવાર:   ગુજરાતમાં હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફના પ્રભાવને કારણે 15 જુલાઈ 2025 સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને 12 અને 13 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે, 10 જુલાઈ 2025થી વરસાદનું જોર વધવાની સંભાવના છે, જેમાં દક્ષિણ ગુજરાત (નવસારી, વલસાડ, તાપી, ડાંગ), સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની અપેક્ષા છે. હવામાન વિભાગે નાગરિકોને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા જણાવ્યું છે.

હવામાન વિભાગે ચાર જિલ્લાઓ – નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે કચ્છ, પોરબંદર, દ્વારકા, અરવલ્લી, મહીસાગર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. દરિયામાં ભારે કરંટ અને 30-40 કિ.મી./કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાને લીધે, માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેટા અનુસાર, સરદાર સરોવર ડેમ 49.27% ભરાયેલો છે, જ્યારે રાજ્યના 206 જળાશયો તેમની કુલ સંગ્રહ ક્ષમતાના 56.43% ભરાયેલા છે. 24 ડેમ 100% ભરાયેલા છે, અને 38 ડેમ હાઈ એલર્ટ પર છે. રાજ્યમાં વરસાદની સરેરાશની વાત કરીએ તો, કચ્છમાં 57.22%, ઉત્તર ગુજરાતમાં 41.93%, પૂર્વ મધ્ય ગુજરાતમાં 45.65%, સૌરાષ્ટ્રમાં 46.60% અને દક્ષિણ ગુજરાતમાં 52.09% વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ચોમાસાની સિઝનનો સરેરાશ 47.54% વરસાદ વરસી ચૂક્યો છે.

10 જુલાઈ 2025ની સવારે 6થી સાંજે 8 વાગ્યા સુધીના 14 કલાકમાં રાજ્યના 70 તાલુકામાં વરસાદ નોંધાયો. ભાવનગરના ગારિયાધારમાં સૌથી વધુ 2.13 ઈંચ વરસાદ પડ્યો, જ્યારે શિહોરમાં 1.22 ઈંચ, સંખેડામાં 0.71 ઈંચ, ભાવનગરમાં 0.67 ઈંચ, બોડેલીમાં 0.47 ઈંચ તેમજ ગળતેશ્વર, લાખણી અને વલ્લભીપુરમાં 0.39 ઈંચ વરસાદ નોંધાયો. માત્ર બે તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો, જ્યારે 61 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!