મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ હિતમાં ક્રાંતિકારી નિર્ણય, આવાસ નિર્માણ માટે કુલ 1,70,000ની સહાય મળશે!

ગાંધીનગર, શુક્રવાર
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારોના નાગરિકોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણના લાભાર્થીઓને હવે 50,000ની વધારાની સહાય પૂરી પાડવામાં આવશે. આ જાહેરાત ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે આ યોજના હેઠળ લાભાર્થીઓને હવે કુલ 1,70,000ની સહાય 4 તબક્કામાં ચૂકવવામાં આવશે.
વધતી કિંમતો વચ્ચે ગ્રામીણ પરિવારોને મોટી રાહત
ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે આ નિર્ણય અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારોમાં મકાન બાંધકામ માટે ઉપયોગમાં લેવાતા રેતી, કપચી, સિમેન્ટ, સ્ટીલ જેવા માલસામાનની વધતી કિંમતો અને ભૌગોલિક તેમજ અંતરિયાળ વિસ્તારોના કારણે થતા પરિવહન ખર્ચને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ જનહિતલક્ષી નિર્ણય કર્યો છે. અગાઉ, PMAY-G હેઠળ લાભાર્થીઓને 3 તબક્કામાં કુલ 1,20,000ની સહાય મળતી હતી. જોકે, હવે 50,000ની વધારાની સહાય મળતા, કુલ સહાય 1,70,000 થશે.
બજેટમાં 550 કરોડની જોગવાઈ અને 1.10 લાખ લાભાર્થીઓનો લક્ષ્યાંક
વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા અને ગામડાઓને સમૃદ્ધ તથા મજબૂત બનાવવાના ઉમદા આશય સાથે, ગુજરાત સરકારે વર્ષ 2025-26ના બજેટમાં આ વધારાની સહાય ચૂકવવા માટે 550 કરોડની ફાળવણી કરી છે. આ જોગવાઈ 1,10,000 લાભાર્થીઓના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે છે. મંત્રીએ ઉમેર્યું હતું કે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં, આ યોજના હેઠળ 11,606 લાભાર્થીઓને 58 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.
સહાય ચુકવણીનું નવું માળખું
નવા નિર્ણય મુજબ, લાભાર્થીઓને સહાય 4 તબક્કામાં મળશે:
* પ્રથમ હપ્તો: આવાસ મંજૂરી સમયે 30,000
* બીજો હપ્તો: પ્લીન્થ લેવલ (Plinth Level) પર 80,000
* ત્રીજો હપ્તો: રૂફ-કાસ્ટ લેવલ (Roof-Cast Level) પર 50,000
* ચોથો હપ્તો: આવાસ પૂર્ણ થયેથી 10,000
આ કુલ 1,70,000ની સહાયમાંથી, 98,000ની સહાય રાજ્ય સરકાર દ્વારા અને 72,000ની સહાય કેન્દ્ર સરકારના ભંડોળમાંથી ચૂકવવામાં આવશે.
આર્થિક મુશ્કેલીઓ થશે દૂર, આવાસ બાંધકામ ઝડપી બનશે
મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે આ વધારાની સહાયથી ગ્રામીણ વિસ્તારના લાભાર્થીઓને પ્લીન્થ લેવલથી લઈને મકાન પૂર્ણ કરવા સુધીની કામગીરી દરમિયાન નાણાકીય મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે. તેનાથી આવાસ બાંધકામ ઝડપથી પૂર્ણ થશે અને ગ્રામીણ વિસ્તારના ઘરવિહોણા પરિવારોનું “પોતાના ઘરના ઘરનું” સ્વપ્ન સાકાર થશે. આ પ્રજાલક્ષી નિર્ણય સમૃદ્ધ ગ્રામ નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં એક મોટું પગલું પૂરવાર થશે.











