પોલીસનું કહેવું છે કે આ ઘટનાથી ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી પર બાજ નજર હોવાનું સાબિત થાય છે. આ સફળ ઓપરેશનથી ક્રાઈમ પર અંકુશ મેળવવામાં મદદ મળશે.

ગાંધીનગર, શુક્રવાર
ગાંધીનગર જિલ્લામાં હથિયારની હેરાફેરીનો એક મોટો પર્દાફાશ થયો છે. ચંદ્રાલા નાકા પોઈન્ટ પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક લક્ઝરી બસમાંથી પિસ્તોલ અને કારતૂસ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ સફળતા દહેગામના ASP આયુષ જૈનની સૂચના હેઠળ ચીલોડા પોલીસ મથકના PI આર.આર. પરમાર અને તેમની ટીમ દ્વારા મેળવવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસે બજરંગ જય ભવાની ટ્રાવેલ્સ નામની બસમાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન, ડ્રાઈવર સાઈડની સીટ પર બેઠેલા એક મુસાફર પાસેથી એક હાથ બનાવટની પિસ્તોલ અને ચાર કારતૂસ મળી આવ્યા હતા. આરોપીની ઓળખ અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાના રહેવાસી વિજય સમજીભાઈ મીણા તરીકે થઈ છે.
પોલીસે મુસાફરોના સામાનની રૂટિન તપાસ કરતા આ હથિયાર મળી આવ્યું હતું. આરોપી વિજય મીણા હથિયાર અંગે કોઈ સંતોષકારક ખુલાસો આપી શક્યો ન હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 30,400ના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી છે. હાલ, પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી શરૂ કરી દીધી છે.











