ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચ-IIની મોટી કાર્યવાહી: કલોલ નજીકથી 13.29 લાખનો વિદેશી દારૂ ઝડપાયો!

પોલીસે ખાનગી વાહનથી તેનો પીછો કર્યો અને બોરીસણા ગામ પાસે ગાડીને રોકીને ચાલકને પકડી પાડ્યો.

ગાંધીનગર, શુક્રવાર
ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચ-II (LCB-2) એ ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે કડક કાર્યવાહી કરીને કલોલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના બોરીસણા ગામ પાસેથી એક ટોયોટા ઈનોવા (GJ-08-BB-7600) ગાડીમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ઓપરેશનમાં કુલ 13,29,240/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં દારૂ, વાહન અને મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે.

પોલીસની સઘન કામગીરી અને વ્યૂહરચના
ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક, વીરેન્દ્રસિંહ યાદવ અને ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષક, રવિ તેજા વાસમશેટ્ટી સાહેબના કડક આદેશ અને માર્ગદર્શન હેઠળ, જિલ્લામાં અન્ય રાજ્યોમાંથી ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં આવતા દારૂની પ્રવૃત્તિને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ માટે, જિલ્લાના મુખ્ય પ્રવેશ માર્ગો પર દિવસ-રાત પેટ્રોલીંગ અને વાહન ચેકિંગ સઘન બનાવવામાં આવ્યું છે. LCB-2 ના પોલીસ ઈન્સ્પેક્ટર એચ.પી. પરમારને આ અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળી ગુપ્ત માહિતી
પોલીસ ઈન્સ્પેક્ટર એચ.પી. પરમારના નેતૃત્વ હેઠળ, LCB-2 ની ટીમો જેમાં પો.સ.ઈ. કે.કે. પાટડીયા, પો.સ.ઈ. આર.જી. દેસાઇ, પો.સ.ઈ. બી.એચ. ઝાલા, અને પો.સ.ઈ. એન.બી. રાઠોડનો સમાવેશ થાય છે, તેઓ સતત ટેકનિકલ અને હ્યુમન સોર્સના માધ્યમથી માહિતી એકત્રિત કરી રહ્યા હતા.

LCB-2 ટીમ કલોલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ નાથુભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ જયસ્મીતરાજસિંહ મહેન્દ્રસિંહને એક ગુપ્ત બાતમી મળી. બાતમી મુજબ, એક સફેદ કલરની ટોયોટા ઈનોવા ગાડી નંબર GJ-08-BB-7600 માં ગેરકાયદેસર વિદેશી દારૂ ભરીને કડી તરફથી આવીને ડાભલા ચોકડી થઈ અમદાવાદ જવાની હતી.

ફિલ્મી ઢબે પીછો અને દારૂનો જથ્થો ઝડપાયો
આ માહિતીના આધારે, LCB ટીમે તાત્કાલિક ડાભલા ચોકડી રોડ ઉપર નાકાબંધી ગોઠવી વોચ રાખી. થોડા સમયમાં બાતમીવાળી ગાડી આવતા, પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો, પરંતુ ગાડીના ચાલકે ગાડી ઉભી ન રાખી અને બેરીકેટીંગ તોડીને પૂરઝડપે નાસવાનો પ્રયાસ કર્યો. પોલીસે ખાનગી વાહનથી તેનો પીછો કર્યો અને બોરીસણા ગામ પાસે ગાડીને રોકીને ચાલકને પકડી પાડ્યો.

ગાડીની તપાસ કરતા, તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ/બિયર ટીન નંગ-936 મળી આવ્યા, જેની કિંમત 3,24,240/- આંકવામાં આવી છે. દારૂ ઉપરાંત, ટોયોટા ઈનોવા ગાડી (અંદાજિત કિંમત 10,00,000/-) અને એક મોબાઈલ ફોન (અંદાજિત કિંમત 5,000/-) પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આમ, કુલ 13,29,240/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો.

પકડાયેલ આરોપી અને કાયદેસરની કાર્યવાહી
આરોપીની ઓળખ દિલીપસિંહ ભાવુસિંહ વાઘેલા, રહે. નાની ભાખર, મોઢરુ ગઢ, તા. દાંતીવાડા, બનાસકાંઠા તરીકે થઈ છે. પકડાયેલ ગાડીના ચાલક વિરુદ્ધ કલોલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!