સાળંગપુર હનુમાનજી મંદિરમાં મેઘધનુષ્ય થીમવાળા વાઘા અને 1000 કિલો ખારેકનો અન્નકૂટ, ભક્તોનો ઉમંગ છલકાયો!

આજના આ ભવ્ય આયોજનથી સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ભક્તિમય માહોલ છવાયો હતો અને ભક્તોએ દાદાના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

સાળંગપુર, શનિવાર
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં આજે, શનિવાર, 12 જુલાઈ 2025ના રોજ ભક્તોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો. અષાઢ મહિનાના શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને કલરફૂલ વાઘા અને 500થી વધુ છત્રીઓનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આજના આ ખાસ દિવસે દાદાને 1000 કિલોથી વધુ કચ્છની પ્રખ્યાત ખારેકનો ભવ્ય અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો.

આજના દિવસની શરૂઆત સવારે 05:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલી મંગળા આરતી થી થઈ હતી. ત્યારબાદ સવારે 07:00 કલાકે કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. બંને આરતી સમયે મંદિરનું પરિસર ભક્તોથી ઉભરાઈ ગયું હતું. મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શને આવ્યા હતા અને આ અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

મેઘધનુષ્ય થીમવાળા વાઘા
પૂજારી સ્વામીએ આજના શણગાર વિશે માહિતી આપતા જણાવ્યું કે, આજે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને મેઘધનુષ્યની થીમવાળા સ્પેશિયલ વાઘા પહેરાવવામાં આવ્યા હતા. આ વાઘા અમદાવાદથી એક ભક્ત દ્વારા સાત દિવસની મહેનત પછી મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત, દાદાના સિંહાસન, ગર્ભગૃહ અને મંદિર પરિસરમાં 500 થી વધુ રંગબેરંગી છત્રીઓથી ડેકોરેશન કરવામાં આવ્યું હતું, જેણે મંદિરના વાતાવરણને વધુ સુશોભિત બનાવ્યું હતું.

1000 કિલો કચ્છની ખારેકનો ભવ્ય અન્નકૂટ
આજે હનુમાનજીને 1000 કિલો કચ્છની ફેમસ ખારેકનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ ખારેક પાછળથી ભક્તોને પ્રસાદ તરીકે આપવામાં આવશે. આ અન્નકૂટ પણ ભક્તો માટે એક મોટું આકર્ષણ રહ્યું હતું.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!