સાંઈ બાબા નામ કેવી રીતે પડ્યું ? જાણો શિરડી સાથે જોડાયેલી ઐતિહાસિક વાતો

એક સામાન્ય ભિક્ષુકથી શિરડીના પવિત્ર સંત બનવાના તેમના યાત્રાપથની સમસ્ત વાર્તા અહીં તમને વાંચવા મળશે

સાંઈ બાબા નામ કેવી રીતે પડ્યું

અમદાવાદ, શનિવાર : શિરડીના સાંઈ બાબા કોણ હતા? તેમનું મૂળ નામ શું હતું? “સાંઈ” નામ કઈ રીતે પડ્યું? શિરડી ગામ સાથે તેમનો શું સંબંધ છે? આ લેખમાં જાણીશું શિરડીના સાંઈ બાબાના જીવન, નામની પાછળનો ઈતિહાસ અને તેમનો આધ્યાત્મિક વારસો. એક સામાન્ય ભિક્ષુકથી શિરડીના પવિત્ર સંત બનવાના તેમના યાત્રાપથની સમસ્ત વાર્તા અહીં તમને વાંચવા મળશે.

શિરડી આજે વિશ્વભરના ભક્તો માટે એક પવિત્ર યાત્રાધામ છે. દરરોજ હજારો ભક્તો સાંઈ બાબાના દર્શન માટે આવે છે. શિરડીમાં દ્વારકામાઈ મસ્જિદ, ચાવડી, ગુરુસ્થાન, સમાધિ મંદિર વગેરે સ્થળો આધ્યાત્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે.માનવામાં આવે છે કે સાઈ બાબાનો જન્મ હિન્દુ બ્રાહ્મણ કુળમાં થયો હતો, અને બાળપણમાં તેમને એક સૂફી ફકીરે દત્તક લીધા હતા. તેમ છતાં, તેમના મૂળ વિષે જ્યારે લોકો જિજ્ઞાસા વ્યક્ત કરતાં, ત્યારે તેમણે આ પ્રકારના પ્રશ્નોને મહત્ત્વ આપ્યું ન હતું. જ્યારે તેઓ લગભગ 16 વર્ષના હતા, ત્યારે મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં આવેલા શિરડી ગામે સાધુવેશ ધારણ કરીને પધાર્યા હતા. સાંઈ બાબાનું મૂળ નામ ઇતિહાસમાં ક્યાંય નોંધાયેલું નથી.

એવું કહેવાય છે કે જ્યારે તેઓ 1858ના આસપાસ શિરડી ગામે પાછા આવ્યા, ત્યારે ત્યાંના મુખ્ય પૂજારી મહાલસાપતિએ પ્રથમવાર તેમને “સાંઈ” કહી સંબોધ્યા.”સાંઈ” શબ્દનો અર્થ સામાન્ય રીતે ધાર્મિક રીતે જીવન વિતાવતા ભિક્ષુક થાય છે, પણ કેટલીક ભાષાઓમાં તેનો અર્થ “દિવ્ય વ્યક્તિ” અથવા “દેવસ્વરૂપ” પણ થાય છે.તે જ રીતે “બાબા” શબ્દનો અર્થ ઘણા ભારતીય અને મધ્યપૂર્વીય સંદર્ભોમાં પિતા, દાદા, વડીલ અથવા માનનીય વ્યક્તિ માટે થતો હોય છે. આ રીતે, “સાંઈ બાબા” શબ્દસમૂહનો અર્થ થાય છે, “પવિત્ર પિતા” કે “દેવસ્વરૂપ સંત”. ઓગસ્ટ 1918 દરમ્યાન, સાંઈ બાબાએ તેમના ભક્તોને કહ્યું કે તેઓ ટૂંક સમયમાં પોતાના નશ્વર શરીર છોડીને જશે. સપ્ટેમ્બર મહિના આખરે તેમને ખૂબ તાવ આવ્યો અને તેમણે ખાવાનું બંધ કરી દીધું. આ શારીરિક દુર્બળતા વચ્ચે પણ, તેમણે પોતાના અનુયાયીઓને પવિત્ર ગ્રંથોના પઠન માટે પ્રોત્સાહિત કર્યાં અને તેમ છતાં તેઓ ભક્તોની મુલાકાત લેતા રહ્યાં. અંતે,15 ઓક્ટોબર 1918ના રોજ, વિજયાદશમીના પાવન દિવસે, સાંઈ બાબાએ તેમનો ભૌતિક દેહ ત્યજી મહાસમાધિ ગ્રહણ કરી. આમ, પૃથ્વી પર તેમનો અવતાર સમાપ્ત થયો.તેમના અવશેષોને શિરડીના બુટી વાડામાં દફનાવવામાં આવ્યા, જ્યાં પછીથી મંદિર બનાવાયું જે આજે “શિરડી સાંઈ બાબા મંદિર ” તરીકે જાણીતું એક પવિત્ર તીર્થસ્થળ છે. શિરડીના સાંઈ બાબા એક જાણિતાં ભારતીય આધ્યાત્મિક ગુરુ હતા, જેમને સંત માનવામાં આવતા હતા અને જેમને હિંદુ તેમજ મુસ્લિમ બંને ધર્મના અનુયાયીઓએ જીવનકાળ દરમિયાન તેમજ અવસાન પછી પણ શ્રદ્ધાપૂર્વક પૂજ્યા હતા. સાંઈ બાબાનું નામ, કાર્યક્ષેત્ર અને શિરડી ગામ સાથેનો તેમનો સંબંધ ઘણો મહત્વપૂર્ણ છે

MEHTA AYUSHI
Author: MEHTA AYUSHI

Leave a Comment

Read More

error: Content is protected !!