અડાલજ કેનાલમાં કમકમાટીભર્યો બનાવ: દીકરીના ગોર પધરાવવા ગયેલા પીડિયાટ્રિક ડોક્ટરનું ડૂબી જવાથી કરુણ મોત

પિતાને ડૂબતા જોઈને નાની દીકરી દ્વિજાએ બૂમાબૂમ કરી મૂકી હતી. તેની ચીસો સાંભળીને નજીકમાં હાજર રિક્ષાચાલકો સહિતના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

ગાંધીનગર, રવિવાર
ગાંધીનગર નજીક અડાલજ નર્મદા કેનાલ ખાતે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો. કોશા બ્રહ્મભટ્ટના પતિ અને જાણીતા પીડિયાટ્રિક ડોક્ટર નિરવ બ્રહ્મભટ્ટ (ઉંમર 39)નું કેનાલમાં ડૂબી જવાથી અવસાન થયું છે. આ ઘટનાએ તબીબી આલમ અને પરિવારમાં શોકની લાગણી પ્રસરાવી છે.

શું હતો બનાવ?
પ્રાપ્ત માહિતી અનુસાર, ડો. નિરવ બ્રહ્મભટ્ટ પોતાની 6 વર્ષની દીકરી દ્વિજાના ગોરના ‘ઝવેરા’ પધરાવવા માટે પોતાની એક્ટિવા પર અડાલજ કેનાલ ગયા હતા. તેઓ દીકરીને કેનાલની બહાર ઊભી રાખીને ઝવેરા લઈને કેનાલમાં ઉતર્યા હતા. દુર્ભાગ્યવશ, આ દરમિયાન તેમનો પગ લપસી ગયો અને તેઓ કેનાલના તેજ પ્રવાહમાં તણાઈ ગયા.

દીકરીની નજર સામે પિતા ડૂબ્યા
પિતાને ડૂબતા જોઈને નાની દીકરી દ્વિજાએ બૂમાબૂમ કરી મૂકી હતી. તેની ચીસો સાંભળીને નજીકમાં હાજર રિક્ષાચાલકો સહિતના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે ભારે જહેમત બાદ ડો. નિરવને કેનાલમાંથી બહાર કાઢ્યા. તેમને તાત્કાલિક અડાલજ CHC આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા.

તબીબી દંપતી પર આભ ફાટ્યું
ડો. નિરવ અને તેમના પત્ની ડો. કોશા બંને તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને ગાંધીનગરના વાવોલ અનસ્યા ગ્રીન્ઝ સોસાયટીમાં રહેતા હતા. આ કરુણ ઘટનાથી તેમના પરિવાર પર આભ ફાટ્યું છે. અડાલજ પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે પોસ્ટમોર્ટમ સહિતની જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરીને મૃતદેહ પરિવારજનોને સોંપ્યો હતો.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!