માણસાના અંબોડ ગામ, જે મીની પાવાગઢ મંદિરને કારણે પ્રખ્યાત છે, ત્યાં આ બ્રિજનું તાત્કાલિક ધોરણે નવું નિર્માણ થાય તે અત્યંત જરૂરી છે.

માણસા, રવિવાર
માણસા તાલુકાના અંબોડ ગામે આવેલા સુપ્રસિદ્ધ મીની પાવાગઢ મહાકાળી માતાજીના મંદિર તરફ જતા અંબોડ-આનંદપુરા બ્રિજને જર્જરિત અને ભયજનક હાલતમાં હોવાથી વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ નિર્ણયથી માતાજીના દર્શનાર્થે આવતા હજારો શ્રદ્ધાળુઓ અને આસપાસના ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે તમામ બ્રિજની ચકાસણી હાથ ધરી છે. આ અંતર્ગત જર્જરિત અને ભયજનક જણાયેલા બ્રિજને તત્કાળ બંધ કરીને તેના સમારકામ અથવા નવા નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. માણસા તાલુકાનો અંબોડ-આનંદપુરા બ્રિજ પણ આ યાદીમાં સામેલ હતો, જેને વહીવટી તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે.
તાત્કાલિક નવા બ્રિજની માંગ
તાલુકા સદસ્ય ગિરવતસિંહ ચાવડાએ આ અંગે તંત્ર સમક્ષ રજૂઆત કરી છે. તેમણે માંગ કરી છે કે આ બ્રિજને તાત્કાલિક ધોરણે મરામત કરવામાં આવે અથવા તો સંપૂર્ણપણે નવો બ્રિજ બનાવવામાં આવે. તેમની મુખ્ય માંગણીઓમાં બ્રિજની ઊંચાઈ વધારવાનો પણ સમાવેશ થાય છે. આનાથી મીની પાવાગઢ મંદિરે આવતા શ્રદ્ધાળુઓના વાહનો સરળતાથી અવર-જવર કરી શકશે.
નદી કિનારે બની રહેલા ચેક ડેમ માટે માલસામાનની હેરફેર કરતા ભારે વાહનોને પણ સરળતા રહેશે. આ બ્રિજ પરથી ગ્રામજનો, શ્રદ્ધાળુઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ પસાર થાય છે, જેથી તેમની સુરક્ષા અને સુવિધા માટે ઝડપથી નવો બ્રિજ બનાવવો અત્યંત આવશ્યક છે.
અન્ય બ્રિજની સ્થિતિ
અંબોડ-આનંદપુરા બ્રિજ ઉપરાંત, ઈશ્વરપુરા-બદપુરાનો બ્રિજ પણ જર્જરિત હાલતમાં છે અને તેના સમારકામ માટેના આદેશો આપી દેવાયા છે. એટલું જ નહીં, માણસા અને પ્રાંતિજને જોડતા અનોડીયા બ્રિજ પર પણ અમુક જગ્યાએ ગાબડા પડ્યા છે અને તે પણ જર્જરિત બન્યો છે, જેના રિપેરિંગ માટે વહીવટી તંત્ર દ્વારા સૂચનાઓ આપી દેવામાં આવી છે.











