ગુજરાતમાં 2.82 લાખથી વધુ જમીન સર્વે નંબરો જૂની શરતમાં જાહેર: મહેસૂલ વિભાગની મહત્વપૂર્ણ જાહેરાત

આ કામગીરીનો સતત રિવ્યુ કરવામાં આવી રહ્યો છે અને ટૂંક સમયમાં તેને પૂર્ણ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. આનાથી લાંબા સમયથી પ્રશ્નમાં રહેલી જમીનોના મુદ્દાઓનો નિકાલ થશે અને નાગરિકોને રાહત મળશે.

અમદાવાદ, ગુરૂવાર
ગુજરાત સરકાર દ્વારા જનહિતલક્ષી શાસન અને પ્રક્રિયાઓના સરળીકરણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ, મહેસૂલ વિભાગ દ્વારા તાજેતરમાં નિવાસી કલેક્ટર અને અધિક કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વિભાગીય કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો અને પ્રગતિ વિશે અધિક મુખ્ય સચિવ, મહેસૂલ વિભાગ, ડૉ. જયંતિ રવિએ વિસ્તૃત માહિતી આપી હતી.

2.82 લાખથી વધુ સર્વે નંબરો ક્લિયર
મહેસૂલ વિભાગની એક મોટી પહેલ હેઠળ, રાજ્યમાં જૂની શરત જાહેર કરવાપાત્ર સર્વે નંબરોને જૂની શરતમાં રૂપાંતરિત કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ડૉ. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, આ ઝુંબેશના ભાગરૂપે અત્યાર સુધીમાં 2.82 લાખથી વધુ સર્વે નંબરો જૂની શરતમાં જાહેર કરવામાં આવ્યા છે. આ કામગીરીનો સતત રિવ્યુ કરવામાં આવી રહ્યો છે અને ટૂંક સમયમાં તેને પૂર્ણ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. આનાથી લાંબા સમયથી પ્રશ્નમાં રહેલી જમીનોના મુદ્દાઓનો નિકાલ થશે અને નાગરિકોને રાહત મળશે.

અનધિકૃત ધાર્મિક બાંધકામો હટાવવા અને રી-લોકેટ કરવા પર ભાર
ગૃહ વિભાગ દ્વારા રાજ્યના જિલ્લાઓમાં આવેલા અનધિકૃત ધાર્મિક બાંધકામોને દૂર કરવા અંગેની કામગીરીની પણ VCમાં સમીક્ષા કરવામાં આવી હતી. ગૃહ સચિવ નિપુર્ણા તોરવણેએ કલેક્ટરોને સ્પષ્ટ સૂચના આપી હતી કે બાકી રહેલા અનધિકૃત ધાર્મિક બાંધકામોને નિયત પ્રક્રિયા અનુસાર ઝડપથી દૂર કરવામાં આવે અને જે બાંધકામોને રી-લોકેટ કરવાના હોય, તે કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવે. ડૉ. રવિએ આ મામલે જિલ્લા તંત્ર દ્વારા ગૃહ વિભાગને જરૂરી સહયોગ મળે તે સુનિશ્ચિત કરવા દિશાનિર્દેશ આપ્યા હતા.

જમીન ફાળવણી અને માપણીની કામગીરીમાં ઝડપ લાવવા સૂચના
આ બેઠકમાં જિલ્લા સેવા સદન, તાલુકા સેવા સદન અને અન્ય મહેસૂલી ભવનોના બાંધકામ મુજબ જ થાય તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, જમીન ફાળવણીની કામગીરી અને માપણીની કામગીરી સમયસર અને ઝડપથી પૂર્ણ થાય તે માટે માર્ગ અને મકાન વિભાગના પરામર્શમાં કલેક્ટરોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

ડૉ. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, ઇ-ગવર્નન્સના માધ્યમથી જિલ્લા કક્ષાના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવું, પ્રજાલક્ષી નિર્ણયોનો સરળતાથી અમલ કરવો અને મહેસૂલી કામગીરીમાં પારદર્શિતા લાવવી એ મહેસૂલ વિભાગનો મુખ્ય ઉદ્દેશ્ય છે. કલેક્ટર/નિવાસી અધિક કલેક્ટરની આવી VC કોન્ફરન્સ આ ઉદ્દેશ્યોને સિદ્ધ કરવામાં એક નિર્ણાયક અને મહત્વપૂર્ણ માધ્યમ સાબિત થઈ રહી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!