આ ઠગ ટોળકીએ મહિલા અધિકારીના માતાનો નંબર પણ મેળવી લીધો હતો અને તેમને એટલી હદે ડરાવી દીધા હતા કે તેઓ કોઈનો ફોન પણ રિસીવ કરી શકતા નહોતા.

અમદાવાદ, શુક્રવાર
અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે એક મોટા સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે, જેમાં ગોતા સ્થિત ONGCના એક સિનિયર આસિસ્ટન્ટ મહિલા અધિકારીને 6 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ રાખી તેમની પાસેથી 1.36 કરોડ પડાવી લેવામાં આવ્યા હતા. આ મામલે સાયબર ક્રાઈમ બ્રાન્ચે 6 આરોપીઓની ધરપકડ કરી છે, જેઓ સાયબર માફિયાઓને બેંક એકાઉન્ટ અને સિમ કાર્ડ પૂરા પાડી કૌભાંડમાં મદદ કરતા હતા.
ગોતા, વંદેમાતરમ ખાતે રહેતા 51 વર્ષીય ONGCના સિનિયર આસિસ્ટન્ટ મહિલા અધિકારીને 31મી મેના રોજ એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. કોલ કરનારે પોતાને ટ્રાઈના અધિકારી તરીકે ઓળખાવ્યો હતો. ત્યાર બાદ, CBI યુનિફોર્મમાં સજ્જ એક બોગસ અધિકારીએ તેમને વોટ્સએપ કોલ કરીને ધમકાવ્યા કે તેમના કેનરા બેંક એકાઉન્ટમાં 2 કરોડ જેટલા બ્લેક મની છે. તેમને આવા ટ્રાન્ઝેક્શનમાં સંડોવણી હોવાનું કહી વોરંટ ઇશ્યુ કરવાની ધમકી પણ આપી હતી.
આ ઠગ ટોળકીએ મહિલા અધિકારીના માતાનો નંબર પણ મેળવી લીધો હતો અને તેમને એટલી હદે ડરાવી દીધા હતા કે તેઓ કોઈનો ફોન પણ રિસીવ કરી શકતા નહોતા. ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી, બોગસ જજ ગોગાઈ સાથે વાત કરાવી, અને મહિલાના બેંક એકાઉન્ટમાંથી 35 લાખ ટ્રાન્સફર કરાવ્યા. એટલું જ નહીં, મહિલા પાસે RTGSનું ફોર્મ ભરાવીને તેમની જુદી જુદી FD તોડાવી, તે રૂપિયા પણ ટ્રાન્સફર કરાવી લીધા હતા. કુલ 6 દિવસમાં મહિલા પાસેથી 1.36 કરોડ પડાવી લેવાયા હતા. આખરે, જ્યારે તેમના સ્વજન ઘરે આવ્યા, ત્યારે તેમને આ સાયબર ફ્રોડ હોવાનું જણાઈ આવતા, સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
તપાસ અને ધરપકડ
સાયબર ક્રાઈમ બ્રાન્ચના DCP ડો. લવિના સિંહા અને ACP હાર્દિક માંકડીયાએ PI દેસાઈને તપાસ સોંપી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ રૂપિયા નિશાંત રાઠોડના ખાતામાં જમા થયા હતા. પોલીસે નિશાંત રાઠોડને ઝડપી પાડ્યો હતો. નિશાંતે કબૂલ્યું કે તેણે યશ પટેલના કહેવાથી ગુરુકુળની બંધન બેંક બ્રાન્ચમાં એકાઉન્ટ ખોલાવ્યું હતું.
યશ ઉર્ફે ચુચુ સુરેશભાઈ પટેલ (રહે. વ્રજવાટીકા, દ્વારકેશ ફાર્મ, વસ્ત્રાલ) ને ઝડપી લેતા તેણે જણાવ્યું કે આ બેંક એકાઉન્ટ કુલદીપ, હિતેશ અને સિદ્ધરાજને એકાઉન્ટ ઓપરેટ કરવા માટે આપવામાં આવ્યા હતા, જે એકાઉન્ટ વિદેશથી ઓપરેટ થતા હતા.
તપાસના અંતે, આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય 5 સાગરીતોની પણ ધરપકડ કરવામાં આવી છે:
કુલદીપ જેઠાભાઈ જોષી (ઉં.વ. 20, રહે. નવદુર્ગા સોસાયટી, નરોડા)
હિતેશ મફાભાઈ ચૌધરી (રહે. નવદુર્ગા સોસાયટી, નરોડા)
સિદ્ધરાજ રાણજી ચૌહાણ (નવદુર્ગા સોસાયટી, નરોડા)
જગદીશ જીવાભાઈ ચૌધરી (ઉં.વ. 27, રહે. ધાખાગામ, ધાનેરા, બનાસકાંઠા)
આરોપીઓ સાયબર માફિયાઓને બેંક એકાઉન્ટ અને મોબાઈલ નંબર પૂરા પાડી કમિશન મેળવતા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે, જેમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે. જોકે, ગુમાવેલા રૂપિયા પરત મળશે કે કેમ તે અંગે હજુ પણ અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે.











