પોલીસે તુરંત જ બંને આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગર, શુક્રવાર
ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલા 15 જોખમી જળાશયોમાં પ્રવેશબંધીના આદેશનો ભંગ કરવા બદલ 2 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના કલેક્ટરના નિર્ણયના ભાગરૂપે કરવામાં આવી છે.
ઇન્ફોસિટી પોલીસ દ્વારા ઇન્દ્રોડા ગામ પાસે આવેલા સંત સરોવર ખાતે પેટ્રોલિંગ દરમિયાન બે વ્યક્તિઓને પાણીમાં પ્રવેશતા જોયા હતા. પોલીસે તાત્કાલિક તેમને બહાર બોલાવી પૂછપરછ હાથ ધરી હતી.
પૂછપરછ દરમિયાન આરોપીઓ રાજુ મસુર દંતાણી અને કમલેશ મસુર દંતાણી હોવાનું સામે આવ્યું હતું, જેઓ સેક્ટર-10માં જળ સંપત્તિની ઓફિસ નજીક આવેલા છાપરામાં રહે છે. તેમણે કબૂલ્યું હતું કે તેઓ માછલી પકડવા માટે સરોવરમાં પ્રવેશ્યા હતા, જે પ્રતિબંધિત વિસ્તાર છે.
પોલીસે તુરંત જ બંને આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોખમી જળાશયો પર લોકોની સલામતી માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી આવા બનાવો અટકાવી શકાય.











